ઉમરગામમાં 36 કલાકમાં 50 ઇંચ વરસાદઃ અમદાવાદમાં 3 કલાકમાં ધોધમાર 12 ઇંચથી વધુ વરસાદથી મોટા ભાગના વિસ્તાર જળમગ્ન
સુરત, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાની શાળા-કોલેજોમાં રજા જાહેર
ઔરંગા, કાવેરી, પાર અને દમણગંગા નદીઓમાં ઘોડાપૂરઃ અનેક ગામો સંપર્ક વિહોણા
વલસાડમાં વરસાદનો વિક્રમ, વાપીમાં 500થી વધુ કાર પાણીમાં ગરકાવ
4 સિસ્ટમ સક્રિય થતાં આગામી 48 કલાક
ભારે
રાજકોટ, સુરત, અમદાવાદ, તા.23ઃ દક્ષિણ ગુજરાતમાં આભ ફાટતા મેઘતાંડવ વચ્ચે આકાશી આફતે સમગ્ર રાજ્યને બાનમાં લીધું છે. છેલ્લા 36 કલાકમાં
વલસાડના ઉમરગામમાં 50 ઇંચ અને નવસારીના ખેરગામમાં 31 ઇંચ વરસાદ ખાબકતાં દક્ષિણ ગુજરાતનો સમગ્ર પંથક બેટમાં ફેરવાઈ ગયો છે. ઔરંગા, પાર, કાવેરી અને દમણગંગા જેવી મુખ્ય નદીઓમાં આવેલા ભયાનક ઘોડાપૂર અને સુરતમાં ખાડીપૂરે હજારો લોકોના જીવ અદ્ધર કરી દીધા છે. બીજી તરફ, રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદમાં પણ માત્ર 3 કલાકમાં તૂટી પડેલા 10 ઇંચ અનરાધાર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે, જેમાં પૂર્વ અમદાવાદનું વાનરવાડી તળાવ ફાટતાં સોસાયટીઓમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. રાજ્ય પર એકસાથે 4 મોટી મોસમની સિસ્ટમ સક્રિય થતાં આગામી 48 કલાક
માટે હવામાન વિભાગે ’રેડ એલર્ટ’ જાહેર કર્યું છે, જેને પગલે અમદાવાદ, ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં તાત્કાલિક અસરથી રજા જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અતિભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, વાપી, ઉમરગામ અને નવસારી જિલ્લાઓમાં મેઘતાંડવ સર્જાતા અનેક વિસ્તારો ટાપુ સમાન બની ગયા છે. નદીઓમાં ઘોડાપૂર આવતાં માર્ગો બંધ થયા છે, હજારો લોકો અસરગ્રસ્ત બન્યા છે અને અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. બીજી તરફ અમદાવાદમાં માત્ર ત્રણ કલાકના વરસાદે શહેરને જળબંબાકારમાં ફેરવી દીધું છે. ઉમરગામમાં છેલ્લા 36 કલાકમાં
આશરે 50 ઇંચ વરસાદ નોંધાતા અઢી દાયકાનો વરસાદી રેકોર્ડ તૂટી ગયો છે. નવસારીના ખેરગામમાં 31 ઇંચ,
સુરતના ઉમરપાડામાં 26 ઇંચ અને તાપીના ડોલવણમાં 25 ઇંચ વરસાદ નોંધાયો છે. ઔરંગા, પાર, દમણગંગા, કાવેરી અને અંબિકા નદીઓમાં ઘોડાપૂર આવતાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
સુરતમાં ખાડીઓ છલોછલ ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. નવસારીના બીલીમોરામાં કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જ્યારે વાંસદામાં માર્ગ ધોવાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. તાપીના ડોલવણમાં 16 ઇંચથી
વધુ વરસાદ પડતાં અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા હતા અને અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પૂર બાદ પાણીજન્ય અને મોસમી રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. ક્લોરીન ટેબ્લેટ્સ, દવાઓ અને જંતુનાશકોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે તેમજ રાહત શિબિરોમાં તબીબી ટીમોને સતત કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, શહેરમાં માત્ર ત્રણ કલાકના ટૂંકા ગાળામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં ખાસ કરીને એસજી હાઇવે, જોધપુર, વેજલપુર અને સૌથી વધુ સરખેજ તથા બોપલ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. હાટકેશ્વર અને મંથન ચોકડી જેવા વિસ્તારોમાં આ વખતે ઓછું પાણી ભરાયું છે, જ્યારે ઇસ્કોન અને આરોહી સોસાયટી જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને નોર્થ-વેસ્ટ ઝોનની 80 સોસાયટીઓમાં
પાણી ભરાયા છે. બોપલ-ઘૂમા વિસ્તારની ભૌગોલિક રચના ‘રકાબી’ જેવી હોવાથી અને ત્યાંની માટીની પાણી શોષવાની ક્ષમતા ઓછી હોવાના કારણે ત્યાં પાણીનો ભરાવો વધુ જોવા મળ્યો છે.
હવામાન વિભાગે આગામી 48 કલાક
દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, શેર ઝોન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી હજુ પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રે નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂરી હોય તો સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપી છે.
ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની સંભવિત આગાહીને પગલે નાગરિકોની સુરક્ષા અને આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે. જિલ્લા કલેક્ટર દ્વારા તમામ સંબંધિત અધિકારીઓને એલર્ટ મોડ પર રહેવા અને જરૂરી તમામ આગોતરા પગલાં લેવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.
ઉમરગામમાં સંજાણ-હુમરાણ પુલ ધસી પડÎો
ઉમરગામ તાલુકામાં સતત વરસતા વરસાદને કારણે સંજાણ-હુમરાણ માર્ગ પરનો પુલ ધસી પડÎો હતો. પુલનો મોટો ભાગ તૂટી જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે.
શાળા-કોલેજોમાં રજા જાહેર
હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, નવસારી, તાપી, અરવલ્લી અને વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં 24 જુલાઈએ
તમામ સરકારી તથા ખાનગી શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા તંત્રે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે.
કયા કેટલો વરસાદ ?
વિસ્તાર વરસાદ(ઇંચમાં)
ચીખલી 16.85
ખેરગામ 16.69
ઉમરપાડા 15.75
ઉમરગામ 14.37
ધોળકા 13.35
વાંસદા 13.31
વધઇ 12.99
મહેમદાવાદ 12.87
ગણદેવી 12.68
પારડી 11.50
નેત્રંગ 10.83
નાનાપોંઢા 10.59
વલસાડ 10.35
માતર 10.31
મંડળ 10.20
ડોલવણ 9,72
ધરમપુર 9.45
ખેડા 9.25
કપરાડા 8.74
વિરમગામ 8.70
વસો 8.39
બેચરાજી 8.11
વાપી 7.99
તારાપુર 7.76
દસક્રોઇ 7.60
સોજીત્રા 7.48
અંબિકા 7.44
બાવળા 7.01
સુબીર 6.89
નડિયાદ 6.65
કામરેજ 6.42
6.65
અંકલેશ્વર 5.91
ઉકાઇ 5.75
વ્યારા 5.67
પેટલાદ 5.63
દેડિયાપાડા 5.55
ભરૂચ 5.35
ઝગડિયા 5.35
અમદાવાદ શહેર 5.04
12 ઇંચથી વધુ વરસાદથી અમદાવાદ જળબંબોળ, 6 અંડરપાસ
બંધ
અમદાવાદ શહેરમાં સવારથી શરૂ થયેલા અતિભારે વરસાદને કારણે સમગ્ર મેગાસિટી જળબંબોળ થઈ ગયું છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં નોંધાયો હતો, જેમાં બાકરોલમાં 12.42 ઇંચ,
સરખેજમાં 12.05 ઇંચ અને બોપલમાં 10.20 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ટૂંકા સમયમાં પડેલા મુસળધાર વરસાદને પગલે એસ.જી. હાઈવે સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શહેરની 43 સોસાયટીઓમાં
પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, જેમાંથી પાણીના નિકાલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પમ્પ મૂકી કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થિતિને પહોંચી વળવા વાસણા બેરેજના તમામ 20 ગેટ ખોલી દેવાયા છે. સુરક્ષાના કારણોસર શહેરના 8 માંથી 6 અંડરપાસ-અખબારનગર, મકરબા, મિઠાખળી, કુબેરનગર, પરિમલ ગાર્ડન અને શાહીબાગ ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યા છે. ભારે વરસાદ વચ્ચે ફાયર વિભાગે 8 રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને લિફ્ટ, કાર અને સ્કૂલ બસમાં ફસાયેલા 50થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સદનસીબે, ઝાડ પડવાની 41 અને મકાન-િદવાલ તૂટવાની 5 ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી. તંત્ર દ્વારા નાગરિકોને અનાવશ્યક રીતે ઘરની બહાર ન નીકળવા અને વીજ પોલથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
--------------
વલસાડમાં 500થી વધુ લોકોનું સ્થળાંતર
વલસાડના તિથલ રોડ વિસ્તારમાં તેમજ મુખ્યમંત્રી આવાસ નજીક પાણી ભરાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અનેક સોસાયટીઓમાં કમર સુધી પાણી ભરાઈ જતા લોકો ઘરોમાં જ રહેવા મજબૂર બન્યા હતા. દૂધ સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પણ ખોરવાયો હતો. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને કારણે છીપવાડ, તરિયાવાડ, બરૂડિયાવાડ સહિતના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. વહીવટીતંત્ર અને એનડીઆરએફ દ્વારા 500થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઔરંગા નદીની સપાટી ભયજનક સ્તરે પહોંચતાં જિલ્લા તંત્ર સતત એલર્ટ પર રહ્યું હતું.
વાપી, વલસાડ અને ઉમરગામમાં ભારે વરસાદને કારણે સોસાયટીઓ, વાડીઓ તેમજ જાહેર સ્થળોએ પાર્ક કરેલી મોટી સંખ્યામાં કાર અને અન્ય વાહનો પાણીમાં ડૂબી ગયા હતા. વરસાદ એટલો ભારે હતો કે વાહનચાલકો પોતાના વાહનો સુરક્ષિત સ્થળે ખસેડી શક્યા નહોતા. અંદાજે 500થી વધુ કાર પાણીમાં ગરકાવ થઈ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
=================
મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક
દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને તાપી જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરથી ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટેલિફોનિક વાતચીત કરીને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદની ખાતરી આપી છે.