જૂડો ખેલાડી અરૂણ કુમાર ડોપ ટેસ્ટમાં પોઝિટિવ : કોમનવેલ્થ ગેમ્સની બહાર
ગ્લાસગો
તા.23: કોમનવેલ્થ ગેમ્સ-2026ના ઉદ્ઘાટન સમારંભ અગાઉ જ ભારતે તેનો પહેલો ચંદ્રક નિશ્ચિત
કરી દીધો છે. ઓલિમ્પિક મેડલ વિજેતા મહિલા મુક્કેબાજ લવલીના બોરગોહનને પહેલા રાઉન્ડમાં
બાય મળી છે. આથી તે સીધી સેમિ ફાઇનલમાં પહોંચી છે. આથી લવલીના માટે ઓછામાં ઓછો કાંસ્ય
ચંદ્રક નિશ્ચિત બની ચૂકયો છે. ટોક્યો ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતનાર લવલીના હવે
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 7પ કિલો વજન જૂથમાં મુક્કેબાજીનો સીધો સેમિ ફાઇનલ મુકાબલો
રમશે. કોમનવેલ્થ ગેમ્સના નિયમ અનુસાર સેમિ ફાઇનલમાં પરાજિત થનાર ખેલાડીને કાંસ્ય ચંદ્રક
મળે છે. લવલીના સેમિ ફાઇનલ મુકાબલા માટે 31 જુલાઇએ રિંગમાં ઉતરશે.
બીજી
તરફ કોમનવેલ્થ ગેમ્સના પ્રારંભ અગાઉ ભારતે ફટકો પડયો છે. જૂડોનો ખેલાડી અરૂણ કુમાર
ડોપ ટેસ્ટમાં પોઝિટીવ આવ્યો છે. આથી તેને કોમનવેલ્થ ગેમ્સની ભારતીય ટીમમાં બહાર કરી
દેવામાં આવ્યો છે. અરૂણ કુમાર જૂડોમાં 73 કિલો વજન જૂથમાં ગોલ્ડ મેડલનો દાવેદાર હતો.
ડોપિંગ મામલે ભારતની વેઇટ લિફટીંગ ટીમની સંખ્યામાં પણ ઘટાડો કરવાની ફરજ પડી છે. ભારતે
12 ખેલાડીની વેઇટ લિફટીંગ ટીમ જાહેર કરી હતી. ડોપિંગ ઉલ્લંઘન મામલે કોમનવેલ્થ ગેમ્સમાં
ભારતનો કવોટા 12 ખેલાડીમાંથી 11નો કરી દેવામાં આવ્યો છે. આથી દિલબાગ સિંહને ટીમ બહાર
કરાયો છે તે આમ પણ અનફિટ હતો.