આંગ્મોએ આકરા પ્રહાર કર્યા; પબ્લિસિટી સ્ટંટ કરતાં છાત્રો સાથે જોડાવું જરૂરી હતું
નવી
દિલ્હી, તા. 23 : નીટ પેપર લીક મામલે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાંની
માંગ કરી રહેલા સોનમ વાંગચૂકના પત્ની ગીતાંજલિ આંગ્મોએ કોંગ્રેસની આકરા શબ્દોમાં ટીકા
કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન 7 લોકકલ્યાણ માર્ગ બહાર કોંગ્રેસ દ્વારા
કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન અંગે તેમણે કહ્યું કે, 21 જુલાઈના આ પ્રદર્શનમાં ગંભીરતાનો
અભાવ હતો. કોંગ્રેસના નેતાઓએ પબ્લિસિટી સ્ટંટ કરવાને બદલે જંતરમંતર પર વિદ્યાર્થીઓ
સાથે જોડાવાની જરૂર હતી.
સોનમ
વાંગચૂકની લડાઈને આગળ ધપાવી રહેલા આંગ્મોએ જણાવ્યું કે, રાજકારણીઓ હવે વાંગચૂક અને
તેમની પ્રતિષ્ઠાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે, પરંતુ જાગૃત બની ચૂકેલી દેશની જનતાને હવે
વધુ મૂર્ખ બનાવી શકાશે નહીં. જે લોકો પ્રામાણિક નથી તેમને દેશનો યુવાવર્ગ બહારનો રસ્તો
બતાવી દેશે. આંગ્મોએ સ્પષ્ટ કર્યું કે, આ આંદોલન સંપૂર્ણપણે ગેરરાજકીય છે અને તે કોઈ
પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલું નથી. તેમના માટે વિપક્ષ કે સરકાર બંનેમાંથી કોઈ ખાસ
નથી, પરંતુ દેશની સંસદ જ સૌથી મોટી સંસ્થા છે. સંસદ શિક્ષણને એક મૂળભૂત મુદ્દા તરીકે
જુએ તે જરૂરી છે. કોઈપણ રાજકીય હેતુ વગર આવનારા લોકોનું આંદોલનમાં સ્વાગત છે.
છાત્રોનાં
સમર્થનમાં ઉતર્યા સુપ્રીમ કોર્ટના વકીલ
નવી
દિલ્હી, તા. 23 : સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઇ કોર્ટના વકીલ દ્વારા પ્રદર્શન કરી રહેલા
છાત્રોનું સમર્થન કરવામાં આવ્યું હતું. દેશમાં સંવિધાન અને લોકતંત્રને બચાવવા માટે
વકીલોનું એક જૂથ ગુરુવારે બપોરે સુપ્રીમ કોર્ટ પરિસરમાં એકત્રિત થયું હતું. આ દરમિયાન
મળીને સંવિધાનની પ્રસ્તાવના વાંચી હતી તેમજ રાષ્ટ્રગાન ગાયું હતું.
અણ્ણા
હઝારેએ કર્યું મૌન પ્રદર્શન
નવી
દિલ્હી, તા. 23 : જંતરમંતર પર ચાલી રહેલાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના વિરોધ પ્રદર્શનનાં
સમર્થનમાં અણ્ણા હઝારેએ પણ ગુરુવારે મૌન આંદોલન કર્યું હતું.
મહારાષ્ટ્રમાં
પોતાનાં ગામ રાલેગણ સિદ્ધિમાં જ મૌન પ્રદર્શન કરનાર અણ્ણાની આંખોમાં આંસુ આવી ગયા હતા.
અણ્ણાએ સરકારને પ્રદર્શનકારી છાત્રો સાથે વાતચીત કરવાની અપીલ કરી હતી. બે કલાક સુધી
મૌન આંદોલન કરનાર ગાંધીવાદી નેતા ભાવુક થઇ ગયા હતા. સામાજિક કાર્યકરે કહ્યું હતું કે,
છાત્રોના ભવિષ્ય સાથે જોડાયેલા સવાલો પર ગંભીરતા સાથે ચર્ચા થવી જોઇએ.