બે બાળકો સહિત ચારની હાલત ગંભીર, જુનાગઢ સારવાર માટે ખસેડાયા
માંગરોળ,તા.14
: સોમનાથથી દ્વારકા દર્શનાર્થે જઈ રહેલા ઉત્તરપ્રદેશના જોનપુરના યાત્રિકોને મંગળવારે
રાત્રે હુસેનાબાદ નજીક અકસ્માત નડયો હતો. બંધ ટ્રક પાછળ ટેમ્પો ટ્રાવેલર અથડાતાં બે
બાળકો સહિત નવ યાત્રિકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ હાઈવે પર ચીસાચીસ મચી જતાં
સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સ્થાનિકોની
મદદથી તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રોનક
નિશાત (21), સૌરભ પાંડે (13), રીમા નિશાત (19), કેસરદેવી નિશાત (45) અને નિશાત સિવાર
(18)ને નાની-મોટી ઈજાઓ થતાં સારવાર આપવામાં આવી હતી. જ્યારે સુર્યનારાયણ પાંડે (45),
નિર્મલા નિશાત (35), વૈષનવીકુમારી પાંડે (10) અને ચંદન નિશાત (45)ને ગંભીર ઈજાઓ પહોંચી
હતી. પ્રાથમિક સારવાર બાદ ચારેયને વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરવામાં આવ્યા હતા.