પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે મુખ્ય સમારોહ; સમગ્ર જિલ્લો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો ઃ પોલીસ પરેડ બનશે આકર્ષણનું કેન્દ્ર
(ફૂલછાબ ન્યુઝ)
અમરેલી, તા. 14 ઃ રાજ્યકક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી આ વર્ષે અમરેલી ખાતે યોજાવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાનારી ઉજવણીને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આવતીકાલે તા. 15ના રોજ સવારે 9 કલાકે અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો મુખ્ય સમારોહ યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવશે.સમારોહ દરમિયાન પોલીસ જવાનો દ્વારા ભવ્ય અને દિલધડક પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડ અમરેલીવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. રાજ્યકક્ષાની ઉજવણીને યાદગાર બનાવવા જિલ્લામાં વિવિધ સાંસ્કૃતિક, દેશભક્તિપૂર્ણ તેમજ લોકભાગીદારીના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને ઐતિહાસિક અને ભવ્ય બનાવવા માટે સમગ્ર જિલ્લા તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર અમરેલી જિલ્લો રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહભેર જોડાઈ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.