નવી દિલ્હી, તા. 14 ઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સ્વતંત્રતા દિવસની 80મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ દેશના નામે સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનની શરૂઆત કરતા રાષ્ટ્રપતિએ દેશવાસીઓને આઝાદીના અભિનંદન આપ્યા હતા.
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, 15 ઓગસ્ટ
1947ના દિવસે ભારતમાતા પરાધીનતાની બેડીઓમાંથી મુક્ત થઈ હતી. આ સાથે જ તમામ દેશવાસી, સ્વતંત્ર ભારતની નિયતિના નિર્માતા બને તેવો સંદેશ આપ્યો હતો. રાષ્ટ્રપતિનું સંબોધન પારંપરિક રીતે દેશની વિકાસ યાત્રા, લોકતાંત્રિક મૂલ્યો અને ભવિષ્યના લક્ષ્યો ઉપર કેન્દ્રીત રહ્યું હતું. રાષ્ટ્રપતિએ સંબોધન દરમિયાન કહ્યું હતું કે, સિંધુ જળ સમજૂતી સ્થગિત કરવી રાષ્ટ્રહિત અને ખાસ કરીને કિસાનો માટે એક નિર્ણાયક પગલું છે.
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, અમુક કલાકમાં દેશની સ્વાધીનતાના 80મા વર્ષની શરૂઆત થશે. દેશ વિદેશમાં રહેતા તમામ ભારતીય આ પર્વની ઉલ્લાસથી ઉજવણી કરે છે. આપણો ત્રિરંગો સ્વાધીનતાનું પ્રતીક છે અને તેને પુરી શાનથી ફરકાવવામાં આવે છે. આગળ સંબોધનમાં કહ્યું હતું કે, નિષ્ઠાવાન વિદ્યાર્થી અને શિક્ષક, વિકાસ માટે તત્પર વૈજ્ઞાનિક અને એન્જીનિયર, સ્વાસ્થય સેવામાં કાર્યરત ડોક્ટર અને સ્વાસ્થ્ય કર્મચારી, મેહનતી શ્રમિક અને અન્નદાતા કિસાન પોતાના પ્રયાસોથી રાષ્ટ્રનું નિર્માણ કરી રહ્યા છે. અન્ય ક્ષેત્રોમાં સક્રિય અસંખ્ય દેશવાસીઓ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. તેઓ તમામની હૃદયથી સરાહના કરે છે. રાષ્ટ્રપતિ મુર્મૂએ આ દરમિયાન સરકારની યોજનાઓની પણ વાત કરી હતી અને કહ્યું હતું કે દેશે છેલ્લા એક દશકમાં ઝડપથી વિકાસ કર્યો છે.
મુર્મૂએ કહ્યું હતું કે, જનપ્રતિનિધિઓનું કર્તવ્ય છે કે તેઓ જનઆકાંક્ષાઓને અભિવ્યક્ત કરે. કાર્યપાલિકાનું કર્તવ્ય છે કે જનહિત અને રાષ્ટ્રહિતની નીતિઓને કાર્યરુપ આપે. ન્યાય વ્યવસ્થા સંબંધિત લોકોનું કર્તવ્ય છે કે અભાવના કારણે કોઈપણ વ્યક્તિ ન્યાયથી વંચિત ન રહે. આ ઉપરાંત પરીક્ષા સુધારા અંગે પણ રાષ્ટ્રપતિએ વાત કરી હતી અને કહ્યું હતું કે, પરીક્ષા સુધારા માટે સરકાર મોટા પગલા ભરી રહી છે અને વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા વ્યવસ્થાને વધારે પારદર્શક બનાવવામાં આવી રહી છે.