• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

મહુવામાં જૈન દેરાસરે જતા વેપારીના અપહરણનો પ્રયાસ

ભાવનગર, તા.15 ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં પૂજા કરવા જઈ રહેલા એક વેપારીનું ચાર અજાણ્યા શખસો દ્વારા અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વેપારીએ બુદ્ધિપૂર્વક અને હિંમત દાખવી શખસોની પકડમાંથી હાથ છોડાવીને શેરીમાં દોડીને પોતાનો જીવ બચાવ્યો હતો, ત્યારબાદ હુમલાખોરો સફેદ કારમાં નાસી છૂટÎ હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મહુવાની સર્વોદય સોસાયટીમાં રહેતા અને માર્કાટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે વ્યવસાય કરતા જય હિતેશભાઈ દોશી સવારે કાળા કલરના એક્ટિવા પર પારેખ કોલેજ પાછળ આવેલા વાસુપૂજ્ય જૈન દેરાસરે પૂજા કરવા જઈ રહ્યા હતા. દરમિયાન જાદરા રોડ પરથી શેરીમાં વળતી વખતે ત્રણથી ચાર અજાણ્યા શખસોએ રસ્તામાં ઊભા રહીને તેમનું એક્ટિવા ઊભું રખાવ્યું હતું અને ચાવી છીનવી લીધી હતી.

એક શખ્સે જય હિતેશભાઈનું બાવડું પકડીને બાજુમાં ઊભેલી સફેદ કાર તરફ બળજબરીપૂર્વક ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વેપારીએ સમય સૂચકતા વાપરીને પોતાની પકડમાંથી હાથ છોડાવી દીધો હતો અને જીવ બચાવવા માટે નજીકની શેરીમાં દોડી ગયા હતા. બનાવ બાદ ડરી ગયેલા વેપારી ઘરે પહોંચીને પોતાના પિતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ તેઓ પિતા, કુટુંબી ભાઈ અને મિત્ર સાથે મહુવા પોલીસ મથકે પહોંચ્યા હતા અને અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક