• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

પોલીસ ભર્તીમાં ગોબાચારી બિહાર વિધાનસભાની નજીક પહોંચી ગયા નારાજ છાત્રો બેરિકેડ તોડીને આગળ ધપવા પ્રયાસ: પોલીસ અને છાત્રો વચ્ચે ઘર્ષણ

નવી દિલ્હી, તા.1પ: પટનામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓનો આક્રોશ રસ્તા પર ફરી વળ્યો હતો. બિહાર પોલીસ ઈન્સ્પેક્ટર ભર્તી, બીપીએસસી 70મી પરીક્ષા સહિત 13 મુદ્દાની માગણીઓને લઈને મોટી સંખ્યામાં ઉમેદવારોએ ગાંધી મેદાનથી રાજભવન તરફ કૂચ શરૂ કરી હતી. વિધાનસભાની નજીક પહોંચવાનો પ્રયાસ કરી રહેલા વિદ્યાર્થીઓને  ગોલંબર ખાતે પોલીસે અને સીઆઈપીએફએ બેરિકાડિંગ કરીને રોકી દીધા હતા. ત્યારબાદ કેટલાક વિદ્યાર્થીઓ બેરિકેડ પર ચઢી ગયા અને આગળ વધવાનો પ્રયાસ કરવા લાગ્યા હતાં. આ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ પણ થઈ હતી.  પ્રદર્શનકારીઓ બીપીએસસીની 70મી પરીક્ષામાં કથિત ગેરરીતિની નિષ્પક્ષ તપાસ કરાવવા અને પરીક્ષા ફરીથી યોજવાની માંગ કરી રહ્યા છે. ગાંધી મેદાનથી રાજભવન તરફ આગળ વધી રહેલા વિદ્યાર્થી-ઉમેદવારોને પોલીસે આગળ જતાં રોકતા છાત્રો અને સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણ થઈ ગયું હતું. પોલીસના બેરિકાડિંગ છતાં કેટલાક વિદ્યાર્થીઓ તેના પર ચઢી ગયા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતાં. ત્યારબાદ કેટલાક વિદ્યાર્થીઓ એક્ઝિબિશન રોડના રસ્તે ડાક બંગલા ચોક તરફ આગળ વધવા લાગ્યા. જોકે, અહીં પણ પોલીસની ટીમે તેમને રોકી લીધા હતા. પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે 1,799 જગ્યાઓ માટે યોજાયેલી ભરતી પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી. આ મામલાની તપાસ આર્થિક ગુના એકમ એટલે કે ઈઓયુ દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી પરીક્ષા રદ કરવામાં આવી નથી. ઉમેદવારોનો આરોપ છે કે જ્યારે પરીક્ષામાં ગેરરીતિની તપાસ ચાલી રહી છે, ત્યારે પરીક્ષા રદ કરીને ફરીથી યોજવી જોઈએ.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક