• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

હુથીઓ વિરુદ્ધ પાક.ની પીછેહઠ

મક્કા કરાર છતાં સાથ ન આપતાં છોભીલું સાઉદી ઇઝરાયલની મદદ માગવા મજબૂર

નવી દિલ્હી, તા. 15 : યમનમાં હુથી વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાઓ બાદ સાઉદી અરેબિયા એક મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. સાઉદી અરેબિયાના સાથીઓ, ખાસ કરીને તેના મક્કા કરારના ભાગીદાર પાકિસ્તાને યમનની કટોકટીમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યા પછી રિયાધે જેને તે સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપતું નથી તેવા ઇઝરાયલની મદદ માગવી પડી છે.

તેલ અવીવના દૈનિક અખબાર ધ જેરુસલેમ પોસ્ટના અહેવાલ મુજબ, ઇઝરાયલ અને સાઉદી અરેબિયા વચ્ચે યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) દ્વારા મધ્યસ્થીમાં વાતચીત કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ ગુપ્તચર સહાય દ્વારા હુતી દળો સામે પોતાનો બચાવ કરવામાં સાઉદી અરેબિયાને મદદ કરવાનો હતો.

દરમિયાન, અન્ય એક ઇઝરાયલી અખબાર ઇઝરાયલ હાયોમે અહેવાલ આપ્યો હતો કે, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (એમબીએસ) એ હુતી આક્રમણ સામે અન્ય અખાતી દેશો અને ઇજિપ્ત પાસેથી પણ મદદ માગી છે. અહેવાલ મુજબ સાઉદી અરેબિયાના વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાને બાબ અલ-મંદેબ ખાડી સંબંધિત જોખમો અંગે ગુપ્તચર સહાય માટે યુએસ સેન્ટકોમ દ્વારા ઇઝરાયલનો પરોક્ષ રીતે સંપર્ક કર્યો હતો.

સાઉદી અરેબિયા ઇઝરાયલને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપતું નથી અને જેરુસલેમ સાથે તેના રાજદ્વારી સંબંધો પણ નથી, તેમ છતાં ઇઝરાયલ તરફથી મદદ માટે પરોક્ષ વિનંતી માગવી તે યમનમાં રિયાધ સામેના સંકટની ગંભીરતા પર ભાર મૂકે છે.

જો કે, સાઉદી અરેબિયાની અપીલોનો બહુ પ્રભાવ પડયો નથી. અમેરિકા અને યુકેએ યમનમાં અંસાર અલ્લાહના વિદ્રોહીઓ પર સીધો હુમલો કરવાનો ઇન્કાર કર્યો છે. તેના બદલે અમેરિકાએ ગુપ્તચર સહાય અને યુકેએ લશ્કરી સલાહકારોની ઓફર કરી છે. દરમિયાન, સાઉદી અરેબિયા અને તુર્કી સાથે મક્કા સંરક્ષણ જોડાણનો ભાગ રહેલા પાકિસ્તાને યમનમાં હૂતીઓ સામે લડવા માટે તેના લશ્કરી સંસાધનો મોકલવાનો ઇન્કાર કર્યો હોવાના અહેવાલ છે. પાકિસ્તાને સ્પષ્ટ કર્યું હતું કે, તેની સેના સાઉદી પ્રદેશના રક્ષણ માટે તૈનાત કરી શકાય છે, પરંતુ વિદેશી ધરતી પર યુદ્ધમાં ભાગ લેવો એ તેની લક્ષ્મણરેખા છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક