ગુજરાત બાળ સંરક્ષણ નીતિ-2026 જાહેર : બાળકો વિરુદ્ધ હિંસા, શોષણ મુદ્દે ઝીરો ટોલરન્સ : મુખ્ય સચિવ વાર્ષિક સમીક્ષા કરશે
અમદાવાદ,
તા. 15 : (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્ય
સરકારે સત્તાવાર રીતે ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ -2026 જાહેર કરી છે. જેનો મુખ્ય
ઉદ્દેશ ગુજરાતમાં એવું સુરક્ષિત અને સમાનતાપૂર્ણ વાતાવરણ ઊભું કરવાનું છે જ્યાં દરેક
બાળક હિંસા, શોષણ, દુર્વ્યવહાર, ઉપેક્ષા અને ભેદભાવથી મુક્ત રહી પોતાની સંપૂર્ણ ક્ષમતાનો
વિકાસ કરી શકે. આ પોલીસી મુજબ દરેક વિભાગે વાર્ષિક અમલીકરણ યોજના બનાવવી પડે છે. મુખ્ય
સચિવ વાર્ષિક સમીક્ષા કરશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના એક જાહેરનામા મુજબ
આ નીતિ રાજપત્ર (ગૅઝેટ)માં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવી ગઈ છે. નીતિ તૈયાર કરતા
અગાઉ તેના મુસદ્દા અંગે મળેલા વાંધા-સૂચનોને પણ સરકારે ધ્યાનમાં લીધા છે. સાથે સાથે
POCSO નિયમો, જુવેનાઈલ
જાસ્ટિસ અધિનિયમ, બાળલગ્ન પ્રતિબંધ કાયદો, બાળમજૂરી સંબંધિત કાયદા, શાળા સલામતી માર્ગદર્શિકા, રાષ્ટ્રીય બાળ નીતિ સહિતના
વિવિધ કાયદાકીય અને નીતિગત માળખાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે.
સામાજિક
ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ રાજ્ય મંત્રી ડૉ. મનીષા વકીલના
નેતૃત્વ હેઠળ જાહેર થયેલી આ નવી નીતિનો અભિગમ બાળ સુરક્ષાને નિવારણ, સમયસર ઓળખ, તાત્કાલિક
પ્રતિભાવ, પુનર્વસન અને પુન: સમાવેશ સાથે જોડીને એક વ્યવસ્થા ઊભી કરવાનો છે.
આ નીતિની
સૌથી ખાસ બાબત એ છે કે બાળ સંરક્ષણને સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી તરીકે જોવામાં
આવ્યું છે. નીતિનો વ્યાપ સરકારી વિભાગો અને સરકારી એજન્સીઓ પૂરતો મર્યાદિત નથી. તેમાં
સ્થાનિક સંસ્થાઓ, એનજીઓ, નાગરિક સમાજ, કૉર્પોરેટ અને વેપારી ગૃહો, ઉદ્યોગો, મીડિયા
સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, બાળ સંભાળ સંસ્થાઓ તેમજ બાળકો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ
સંપર્કમાં આવતી વ્યક્તિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રાન્સજેન્ડર અને આંતરાલિંગી
બાળકો, HIV/AIDS
અથવા લાંબી બીમારીથી પ્રભાવિત બાળકો, કુદરતી આફતથી અસરગ્રસ્ત બાળકો તથા સંઘર્ષગ્રસ્ત
વિસ્તારોમાં રહેતા બાળકોને પણ નીતિના દાયરામાં સામેલ કરવામાં આવ્યા છે.
દરેક
કર્મચારી માટે જવાબદારી નિર્ધારિત કરાશે
બાળકો
સાથે પ્રત્યક્ષ કામ કરતી સંસ્થાઓમાં જવાબદારી વધુ સ્પષ્ટ બનશે. શિક્ષકો, તબીબો, આરોગ્ય
કર્મચારીઓ, સલાહકારો અને અન્ય સંબંધિત વ્યાવસાયિકોને બાળકની સુરક્ષા અને કલ્યાણ અંગે
કોઈ ચિંતા જણાય, તો તેની જાણ કરી જરૂરી પગલાં લેવાના રહેશે. બાળ દુર્વ્યવહાર, જાતીય
શોષણ, બાળલગ્ન, બાળમજૂરી, માનવ તસ્કરી, અૉનલાઇન દુર્વ્યવહાર, ભેદભાવ, ત્યાગ અથવા ઉપેક્ષાની
શંકા જણાય, તો CHILD
HELPLINE 1098/112, પોલીસ અથવા બાળ કલ્યાણ સમિતિને
જાણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
કર્મચારીઓની
તાલીમ અને બેકગ્રાઉન્ડ વેરિફિકેશન ફરજિયાત
બાળકો
સાથે સીધો સંપર્ક ધરાવતી સંસ્થાઓએ પોતાના કર્મચારીઓને બાળ અધિકારો, પોસ્કો કાયદો, જુવેનાઈલ
જસ્ટિસ કાયદો તથા અન્ય સંબંધિત કાયદાઓ અંગે તાલીમ આપવાની રહેશે. બાળકો સાથે સંપર્કમાં
આવતા નિયમિત તથા કરાર આધારિત કર્મચારીઓ, સ્વયંસેવકો અને અન્ય વ્યક્તિઓની પૃષ્ઠભૂમિની
કડક તપાસ, જેમાં પોલીસ વેરિફિકેશનનો પણ સમાવેશ થાય છે.
50થી
વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓમાં બાળકો માટે ક્રેચની સુવિધા
50
કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓએ કર્મચારીઓના બાળકો માટે ક્રેચ અથવા મોબાઇલ ક્રેચની
સુવિધા પૂરી પાડવાની રહેશે. અન્યથા શિશુ ધરાવતી માતાઓ માટે બાળ સંભાળની યોગ્ય જગ્યા
અને સુવિધા ઉપલબ્ધ કરાવવાની રહેશે. જાહેર સ્થળોએ પણ બાળકો માટે અનુકૂળ ઝોન અને માતાઓ
માટે શિશુ સંભાળની સુરક્ષિત જગ્યાઓ વિકસાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
બાળકનું
શ્રેષ્ઠ હિત તમામ નિર્ણયોનું કેન્દ્ર બનશે
નીતિમાં
બાળ સંરક્ષણ માટેના માર્ગદર્શક સિદ્ધાંતો સ્પષ્ટ કરવામાં આવ્યા છે કે, જેમાં બાળકનું
શ્રેષ્ઠ હિત, સમાનતા અને સમભાવ, જીવન અને વિકાસનો અધિકાર, બાળકના મતનો આદર, ગૌરવ અને
સન્માન, પરિવારનું સશક્તિકરણ, હિંસાથી સુરક્ષા, ગુપ્તતા, જવાબદારી તેમજ ભાગીદારી અને
સંકલન જેવા સિદ્ધાંતોનો સમાવેશ થાય છે.
દરેક
વિભાગે વાર્ષિક અમલીકરણ યોજના બનાવવી પડશે
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ નોડલ વિભાગ તરીકે
અમલીકરણનું સંકલન, માર્ગદર્શિકા, દેખરેખ અને વાર્ષિક સમીક્ષાને સરળ બનાવશે. દરેક સરકારી
વિભાગે આ નીતિને અનુરૂપ પોતાની વાર્ષિક અમલીકરણ યોજના તૈયાર કરવાની રહેશે.