બિહારમાં ભાજપના સાથી પક્ષોની સ્પષ્ટ વાત; પહેલાં જોગવાઇ સામે આવે પછી જ રાજકીય વલણ થશે જાહેર
નવી
દિલ્હી, તા. 15 : ગૃહમંત્રી અમિત શાહે આવતા ત્રણ વર્ષ એટલે કે 2029ની લોકસભા ચૂંટણીથી
પહેલાં ભાજપશાસિત 21 રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરાશે એવું કહેતાં ભાજપના સાથી
પક્ષો ખાસ કરીને બિહારમાં ખળભળાટ મચી ગયો છે. નીતિશકુમારની જેડી (યુ), ચિરાગ પાસવાનની
એલજેપી (આર) અને ઉપેન્દ્ર કુશવાહના આરએલએમએ સ્પષ્ટ કહ્યું હતું કે, યુસીસીની જોગવાઇ
શું છે તે સામે આવશે ત્યારે તેઓ તેમના પક્ષમાં ચર્ચા કરશે અને ત્યારબાદ જ તેમનું વલણ
સ્પષ્ટ કરશે.
જેડીયુના
મહાસચિવ શ્યામ રજડે સોમવારે બિહારમાં યુસીસી લાગુ નહીં કરાય તેમ કહ્યું હતું અને યાદ
અપાવી હતી કે યુસીસી ખરડાની સમર્થન વેળાએ નીતિશે બિહારમાં તે લાગુ નહીં કરાય તેમ જણાવ્યું
હતું. શ્યામે ઉમેર્યું કે, બિહારમાં ભલે ભાજપના મુખ્યમંત્રી છે પરંતુ સરકાર એનડીએની
છે. માટે નિર્ણય કોઇ એકલાનો ન હોઇ શકે. જેડીયુના નાયબ મુખ્યમંત્રી વિજયકુમાર ચૌધરીએ
મંગળવારે રજકની વાતને સમર્થન આપ્યું હતું.
ચૌધરીએ
પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતાં કહ્યું હતું કે, યુસીસીની જોગવાઇઓ હજુ સાર્વજનિક નથી
કરાઇ. તે સામે આવશે ત્યારે વિચારણા કરાશે. ત્યારબાદ મંગળવારે કેન્દ્રીય મંત્રી લલનસિંહ
સહિતના નેતાઓ આ બાબતે નીતિશકુમારને મળવા ગયા હતા અને ચર્ચા કરી હતી. જેડીયુના પ્રવક્તા
રાજીવ રંજન પ્રસાદે કહ્યું હતું કે, પક્ષ પ્રમુખ
સંજયકુમાર ઝા આ અંગે અમિત શાહ સાથે વાતચીત કરશે. યુસીસીને કારણે ફક્ત જેડીયુમાં જ ખળભળાટ
નથી પરંતુ બિહારમાં ભાજપના સમર્થક ચિરાગ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહાએ પણ કહ્યું હતું
કે, યુસીસીમાં શું જોગવાઇઓ છે તે જાણ્યા પછી જ ચર્ચા અને વાતચીત થશે.
ચિરાગ
પાસવાને સામાજિક તાણાવાણામાં વિવિધતા સાથે દરેક વર્ગની પોતાની પરંપરાઓ અને રીતરિવાજ
છે, જેને બંધારણે પણ સ્વીકાર્યું છે, માટે આ પાસાંનો વિચાર કરીને પક્ષ પોતાનો મત રજૂ
કરશે. જ્યારે ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે, કેન્દ્ર તરફથી શું પ્રસ્તાવ આવે છે
તેને ધ્યાને લઇને તેઓ વિચાર-વિમર્શ કર્યા બાદ પોતાના પક્ષ રજૂ કરશે.
બીજીતરફ
કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીએ અમિત શાહે યુસીસી લાગુ કરવાની વાતને સમર્થન આપ્યું
છે. સાથે કવોટામાં પણ કવોટા અંગે ગંભીરતાથી વિચાર કરવા ગૃહમંત્રીને આગ્રહ કર્યો હતો.