આતંકવાદને પોષતા દેશની દાનતથી આખી દુનિયા વાકેફ છે : ભારત
નવી
દિલ્હી, તા.1પ: પાકિસ્તાને તાજેતરમાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર પર ઇનામની રકમ
વધારીને 70 લાખ પાકિસ્તાની રૂપિયા કરી તેના જવાબમાં ભારતે પાકિસ્તાનના આ પગલાની ટીકા
કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનની આ કાર્યવાહીને લોકોને
ગેરમાર્ગે દોરવાની ચાલ ગણાવી છે.
રણધીર
જયસ્વાલે કહ્યું હતું કે, પાકિસ્તાન તરફથી લોકોને ગેરમાર્ગે દોરવા માટે આવી ચાલો ચલાવવી
કોઈ નવી વાત નથી. અમે અગાઉ પણ આવી ચાલો જોઈ છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આતંકવાદને
પ્રોત્સાહન આપનારા દેશ (પાકિસ્તાન) દ્વારા આવી દેખાડાની જાહેરાતો કરવી નવી વાત નથી.
બધા જાણે છે કે આવી જાહેરાતો કેટલી ખોખલી હોય છે. પાકિસ્તાને આવી જાહેરાતો કરવાને બદલે
એવા નક્કર પગલાં લેવા જોઈએ, જેનો વાસ્તવમાં કોઈ અર્થ સરે.
પાકિસ્તાનની
ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઈએ)એ આતંકવાદીઓની નવી રેડ બુકમાં મસૂદ અઝહરને ફરી એકવાર
ફરાર જાહેર કર્યો છે. પાકિસ્તાને ઓક્ટોબરમાં યોજાનારી ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ
(એફએટીએફ)ની બેઠક પહેલાં આ કાર્યવાહી કરી છે. પાકિસ્તાને વર્ષ 2021માં પણ મસૂદ અઝહરને
ફરાર જાહેર કરીને તેના પર 50 લાખ પાકિસ્તાની રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. હવે
આ રકમ વધારીને 70 લાખ રૂપિયા કરવામાં આવી છે. એફઆઈએનું કહેવું છે કે મસૂદ અઝહર હાલમાં
અફઘાનિસ્તાનમાં છુપાયેલો છે, જ્યારે તાલિબાન શાસન આ દાવાને અનેક વખત ફગાવી ચૂક્યું
છે. બીજી તરફ, ગુપ્તચર એજન્સીઓ અને પાકિસ્તાન પર નજર રાખનારા લોકો આ પગલાને એફએટીએફની
દેખરેખથી બચવાનો પ્રયાસ માની રહ્યા છે. તેમનું માનવું છે કે પાકિસ્તાન મસૂદ અઝહર વિરુદ્ધ
કાર્યવાહી કરવાનો દેખાવ કરી રહ્યું છે, જ્યારે તેના વાસ્તવિક ઠેકાણા અંગેની આંતરરાષ્ટ્રીય
તપાસ અને દેખરેખથી તેને દૂર રાખવા માગે છે.