• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

એશિયન ગેમ્સ પહેલા જાપાનની ફજેતી ખેલાડીઓ માટે નાના બેડ, પાણી લીકેજ!

દક્ષિણ કોરિયા સહિત અનેક દેશોના ખેલાડીઓએ વ્યવસ્થા બાબતે નારાજગી વ્યક્ત કરી

ટોક્યો, તા.15 : જાપાન આગામી એશિયન ગેમ્સનું યજમાન છે. આ વખતે પણ ટોક્યો ઓલિમ્પિકની જેમ વ્યવસ્થા બાબતે જાપાનની ફજેતી થઈ રહી છે. ઓલિમ્પિક દરમિયાન ખેલાડીઓને કાર્ડબોર્ડથી બનેલા ખૂબ જ નબળા બેડ આપવામાં આવ્યા હતા, જે ખાસ્સા ચર્ચામાં રહ્યા હતા. આ વખતે ખેલાડીઓને ક્રૂઝમાં ઉતારો આપવામાં આવ્યો છે અને તેમના બેડ ખૂબ જ નાના છે. આ કારણે જાપાનની ભારે આલોચના થઈ રહી છે.

દક્ષિણ કોરિયા સહિત અનેક દેશોના ખેલાડીઓએ આવી વ્યવસ્થા બાબતે નારાજગી વ્યક્ત કરી છે. બેડ ખૂબ નાના છે અને કેબિનમાંથી પાણી પણ લીક થઈ રહ્યું છે. બેડની લંબાઈ માત્ર 1.95 મીટરની આસપાસ છે. બાસ્કેટબોલ, વોલીબોલ અને અન્ય સ્પોર્ટ્સના ઊંચા ખેલાડીઓ યોગ્ય રીતે પોતાના પગ પણ ફેલાવી શકતા નથી. નોંધનીય છે કે જાપાન દુનિયાનો પહેલો એવો દેશ બની ગયો છે, જે કોઈપણ સ્પોર્ટ્સ વિલેજ બનાવ્યા વિના એશિયન ગેમ્સની યજમાની કરી રહ્યો છે.

જાપાનને એશિયન ગેમ્સની યજમાની મળ્યા બાદ સ્પોર્ટ્સ વિલેજ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનો ખર્ચ ઘણો વધારે આવી રહ્યો હતો. આ સંજોગોમાં ક્રૂઝમાં નાના-નાના કેબિન બનાવીને ખેલાડીઓના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, કેટલાક કન્ટેનર્સમાં પણ કેબિન બનાવીને ખેલાડીઓને ઉતારો અપાયો છે. ભવિષ્યમાં આ કન્ટેનરનો ઉપયોગ ટૂરિઝમ, આપત્તિ સમયે રાહત કાર્ય અને અન્ય કામોમાં કરવામાં આવશે.

 

ભારતીય ખેલાડીઓમાં પણ ભારે રોષ

જાપાન જઈ રહેલા ભારતીય કાફલા સામે ઉતારાનું મોટું સંકટ ઊભું થયું છે. ક્રૂઝ શિપમાં ભારતને 40 રૂમ ઓછા ફાળવવામાં આવતા આશરે 80 જેટલા ખેલાડીઓના રોકાણની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. આ ગેરવ્યવસ્થા બાદ ભારતીય ઓલિમ્પિક સંઘ એ એશિયન ગેમ્સના આયોજકોને તાત્કાલિક ધોરણે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે તાકીદ કરી છે. બીજી તરફ આઠ એથ્લેટ્સના વિઝા પણ હજુ સુધી અટવાયેલા છે. ભારતીય ક્રિકેટ ટીમને પણ સ્ટેડિયમથી 20 કિલોમીટર દૂર હોટલ આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય સુવિધાઓનો પણ સ્પષ્ટ અભાવ જોવા મળ્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક