• બુધવાર, 18 નવેમ્બર, 2026

ભગુડા પગપાળા જતા પદયાત્રીઓને કારે કચડયા : યુવાનનું મૃત્યુ

ત્રાપજ પાસે પૂરઝડપે આવેલી કારે પાછળથી ત્રણ પદયાત્રીઓને અડફેટે લીધા, એક ગંભીર હાલતમાં સારવાર હેઠળ, ચાલક ફરાર

ભાવનગર, તા.17: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મલેકવદર ગામેથી ભગુડા મોગલ માતાજીની માનતા પૂરી કરવા પગપાળા નીકળેલા પદયાત્રીઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. ત્રાપજ નજીક નેશનલ હાઈવે પર બેલાગામના પાટિયા પાસે આવેલા ઓવરબ્રિજ નજીક પાછળથી પૂરઝડપે આવેલી કાળા રંગની કારે ત્રણ પદયાત્રીઓને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 32 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકને ગંભીર ઈજા થતાં ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્મતમાં મલેકવદર ગામના વાડી વિસ્તારમાં રહેતા તુલશીભાઈ પાંચાભાઈ ડાભી (ઉં.વ.32)નું મૃત્યુ થયું હતું, જ્યારે બાબુભાઈ નાગજીભાઈ ગોહિલને બંને પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તુલશીભાઈનાં પત્ની રામુબેન, પુત્રી અલ્પાબેન, ભત્રીજી રીનાબેન સહિત પરિવારજનો અને સંબંધીઓ સાથે તેઓ ભગુડા જઈ રહ્યા હતા. મહિલાઓ આગળ અને ત્રણ પુરુષો પાછળ ચાલી રહ્યા હતા ત્યારે કારના ચાલકે પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત બાદ ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો. 108 મારફતે ઈજાગ્રસ્તોને તળાજા સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તબીબે તુલશીભાઈને મૃત જાહેર કર્યા હતા. બાબુભાઈને વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા હતા. આ અંગે મૃતકનાં પત્ની રામુબેને અલંગ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ફરાર કારચાલકની શોધખોળ શરૂ કરી છે. વધુ તપાસ પીઆઈ પ્રિયંકા દેસાઈ ચલાવી રહ્યાં છે.

 

ગારિયાધાર નજીક અકસ્માતમાં પિતાની નજર સામે પુત્રનું મૃત્યુ

અમરેલી, તા.17: લીલિયા તાલુકાના સનાળિયા ગામે રહેતા રાજુભાઇ ભોળાભાઇ વેકરિયા નામના ખેડૂત તથા તેમનો દિકરો ઋત્વીક રાજુભાઇ વેકરિયા અને તેમની દિકરી હેતલબહેન રાજુભાઇ વેકરિયા પોતાનું બાઈક લઇ ગત તા.16ના સાંજે સનાળિયાથી ગારિયાધાર તાલુકાના ઠાસા ગામે જતા હતા. દરમિયાન શાખપુર ગામના ગેટથી ગારિયાધાર તરફના રોડ પર સામેથી આવતી કારના ચાલકે પૂરઝડપે કાર ચલાવી ખેડૂતના બાઈકના હેન્ડલ સાથે અથડાવતા ત્રણેય રસ્તા ઉપર પડી ગયા હતા. જ્યારે કાર નીચે આવી જતા રૂત્વીકનું ગંભીર ઇજાને કારણે મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક