• બુધવાર, 18 નવેમ્બર, 2026

ગોંડલમાં 13 વર્ષની તરુણી પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

મંદિરે દર્શન કરાવવાના બહાને રાત્રે ઘરેથી લઈ ગયો, મોરબી પંથકમાં દુષ્કર્મ આચરી તરુણીને રઝળતી મૂકી; ગણતરીનાં કલાકોમાં આરોપી ઝડપાયો

ગોંડલ, તા.17 : ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામે સગીર વયની તરુણી સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર 13 વર્ષની તરુણીને રાત્રિના સમયે ઊંઘમાંથી જગાડી મંદિરે દર્શન કરવા જવાનું કહી કૌટુંબિક ભાઈ છકડામાં બેસાડી મોરબી પંથકમાં લઈ ગયો હતો. જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તરુણીને રઝળતી મૂકી દીધી હતી.

આરોપી મૂળ દાહોદ જિલ્લાના જરીબુજર્ગનો અને હાલ ખાંડાધાર ગામે રહેતો ચંદ્રા કેશવભાઈ પસાયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પીડિતાના પિતાએ ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આશરે દસ દિવસ પહેલાં રાત્રે પરિવાર સૂતો હતો ત્યારે આરોપી તરુણીને પોતાની સાથે લઈ ગયો હતો. બીજા દિવસે પુત્રી ગુમ હોવાનું જણાતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. બે દિવસ બાદ તરુણી ઘરે પરત ફરતાં પૂછપરછમાં સમગ્ર હકીકત બહાર આવી હતી.

તરુણીની ફરિયાદના આધારે ગોંડલ તાલુકા પોલીસે દુષ્કર્મ, અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. તપાસ ગોંડલ બી ડિવિઝનના પીઆઇ જી.એસ. ગઢવીને સોંપવામાં આવી હતી. તેમણે ગણતરીનાં કલાકોમાં આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક