પાણીની
તંગી અને રાતવાસાની મુશ્કેલી વચ્ચે ભાવિકોએ ઝડપી પૂર્ણ કરી પરિક્રમા
બોરદેવી
ખાતે અંદાજે પાંચ હજાર ભાવિકોનો જ પડાવ
અન્નક્ષેત્રો
સમેટાવા લાગ્યાં, ભવનાથ તળેટી અને જૂનાગઢની બજારોમાં પણ ભીડ ઓછી
જૂનાગઢ,
તા.23 : ગિરનારની પાવન લીલી પરિક્રમા આ વર્ષે એક દિવસ વહેલી પૂર્ણ થતાં ગિરનારનું જંગલ
ભાવિકોની ભીડથી મુક્ત થઈ ખાલીખમ બન્યું છે. અંદાજે આઠ લાખ ભાવિકોએ પરિક્રમા કરી પૂણ્યનું
ભાથું બાંધ્યું હતું. પરિક્રમા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતાં તંત્રએ પણ હાશકારો અનુભવ્યો
છે.
પરિક્રમાનો
વિધિવત પ્રારંભ ગત તા.20ના મધરાતથી થવાનો હતો. જોકે, તે પહેલાં જ તળેટીમાં લાખો ભાવિકો
એકત્ર થતાં તંત્રને પ્રવેશદ્વાર નિર્ધારિત સમય કરતાં 15 કલાક વહેલું ખોલવાની ફરજ પડી
હતી. પરિણામે વિધિવત પ્રારંભ પહેલાં જ દોઢથી બે લાખ ભાવિકોએ પરિક્રમા શરૂ કરી દીધી
હતી. આ વર્ષે ઓછા વરસાદને કારણે જંગલમાં પીવાના પાણીની તંગી સર્જાઈ હતી. તંત્ર દ્વારા
પાણીની વ્યવસ્થા માટે 30થી વધુ બોર કરવામાં આવ્યા હોવા છતાં લાખોની મેદની સામે આ વ્યવસ્થા
અપૂરતી સાબિત થઈ હતી. કુદરતી પાણીના વહેણ સુકાઈ જતાં ભાવિકોને હાથ-પગ ધોવા અને સ્નાન
કરવા માટે પણ પાણી મેળવવું મુશ્કેલ બન્યું હતું.
બીજી
તરફ, પરિક્રમા અગાઉના વર્ષોની સરખામણીએ વહેલી શરૂ ન થતાં એકસાથે મોટી સંખ્યામાં ભાવિકો
ઉમટયા હતા. પરિણામે જંગલમાં રાતવાસો કરવા માટે જગ્યા મળતી ન હતી. આથી મોટાભાગના યાત્રિકોએ
રાત રોકાવાને બદલે સતત ચાલીને પરિક્રમા પૂર્ણ કરવાનું પસંદ કર્યું હતું. પરિક્રમા તા.24ના
રોજ વિધિવત પૂર્ણ થવાની હતી, પરંતુ પાણીની અછત અને ઉતરાણ માટેની જગ્યાની મુશ્કેલીને
કારણે ભાવિકોએ એક દિવસ વહેલી પરિક્રમા પૂર્ણ કરી હતી. બોરદેવી ખાતે હજુ અંદાજે પાંચ
હજાર ભાવિકોએ પડાવ કર્યો છે, જેઓ આવતીકાલે બપોર સુધીમાં જંગલની બહાર નીકળી જશે. ભાવિકોનો
પ્રવાહ ઘટતાં માર્ગ પરનાં અન્નક્ષેત્રો પણ સમેટાવા લાગ્યાં છે. ભવનાથ તળેટી અને જૂનાગઢની
બજારોમાં પણ હવે ભીડ ઓછી થઈ રહી છે.