વડીયા-દેવળી
નજીક દુર્ઘટના, ભાવનગર-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન કલાકો સુધી રોકી દેવાઈ
રાજકોટ,
તા. 23 : ગુજરાતની શાન સમાન એશિયાટિક લાયન ટ્રેનની અડફેટે આવતા બચાવવા માટે કરવામા
આવતા પ્રયાસો વચ્ચે વન્યપ્રેમીઓ, સિંહ પ્રેમીઓમાં અરેરાટી જન્માવે એવી દુર્ઘટના રાજકોટના
જેતપુર નજીક બની છે. જ્યાં વડીયા-દેવળી વચ્ચે ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેનની અડફેટે
આવતા બે સિંહણના કપાઈ જવાથી મોત નિપજ્યા છે.
આ
અકસ્માતની પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગરથી પોરબંદર જતી ડેઈલી પેસેન્જર ટ્રેન નંબર
59560 તેના નિર્ધારીત સમયે ભાવનગરથી ઉપડી હતી. આ એક્સપ્રેસ ટ્રેન છે અને આ રૂટ પર સામાન્ય
રીતે અગાઉ સિંહોની અવર-જવર નોંધાઈ નથી. ત્યારે આ રૂટ પર ટ્રેન દોડાવવા માટે કોઈ સ્પીડ
નિયંત્રણ લાગુ કરવામાં આવ્યા ન હોવાનું ભાવનગર રેલવેના સિનિયર ડીસીએમ અતુલકુમાર ત્રિપાઠીએ
‘ફૂલછાબ’ને જણાવી ઉમેર્યું હતું કે, ગીર જંગલમાંથી પસાર થતી અને સિંહોના અવરજવરવાળા
વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનોની સ્પીડ પર ફોરેસ્ટ વિભાગ દ્વારા નિયંત્રણ મુકાયું છે.
પરંતુ આ વિસ્તારમાં અગાઉ ક્યારેય સિંહોની અવરજવર
નોંધાઈ નથી માટે સ્પીડ રીસ્ટ્રીક્શન વગર જ ટ્રેન તેની ગતિ સાથે દોડતી હતી ત્યારે રાત્રે
7-50 કલાકે આ દુર્ઘટના બની હતી. આ ઘટના બાદ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા ઘટના સ્થળે
દોડી આવી આગળની તપાસ હાથ ધરાઈ હતી. ટ્રેનમાં એક હજાર જેટલા પેસેન્જર હોવાને કારણે એન્જિન
ડ્રાઈવર (લોકો પાયલોટ) માટે યાત્રિકોની લોકોની સુરક્ષા પ્રાથમિકતા બની રહી હતી.
આ
અકસ્માત બાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા બનાવની તપાસ માટે કલાકો સુધી ટ્રેનને રોકી દેવામા
આવી હતી. તેમજ રેલવે પોલીસ, જેતપુર તેમજ જૂનાગઢ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ આગળની તપાસ
હાથ ધરી હતી.
પ્રાથમિક
દ્રષ્ટિએ એક સિંહણના પીઠ-પૂંછડાના ભાગે તેમજ બીજી સિંહણને ગળાના ભાગે ઉંડા ઘાના નિશાન
છે. ટ્રેનની ઠોકર વાગતા આ ઈજાને કારણે બન્ને સિંહણના મોત થયા હોવાનું અનુમાન લગાવાઈ
રહ્યું છે.