4
કરોડ કર્મચારી માટે ESICના નવા નિયમ, બીમારી-મેટરનિટી
વખતે ઓટોક્લેમ થશે
નવી
દિલ્હી, તા. 23 : દેશભરની પ્રાઈવેટ કંપનીઓમાં 21 હજાર રૂપિયા સુધીની સેલેરી પર કામ
કરતા 4 કરોડ કર્મચારી માટે મોટા સમાચાર છે.
ESIC એટલે કે કર્મચારી
રાજ્ય વીમા નિગમ હેઠળ સોશિયલ સિક્યોરિટી કવરેજ મેળવતા આ કર્મચારીઓ અને તેમના પરિવારના
સભ્યોને બીમારી અથવા માતૃત્વ લાભ હેઠળ મળતો ક્લેમ આપમેળે મળી જશે. આ માટે તેમને કોઈ
પણ પ્રકારના ફોર્મ ભરવાની પણ જરૂર નહીં પડે અને પૈસા સીધા બેંક ખાતામાં આવી જશે. પૈસા
આવવાની ડેડલાઈન પણ નક્કી કરી દેવામાં આવી છે. બીમારીમાં 7 દિવસની અંદર, જ્યારે મેટરનિટીમાં
14 દિવસની અંદર પૈસા મળી શકે છે.
ESICએ દાયકાઓ જૂના નિયમોમાં ફેરફાર
કરતા નવા નિયમો નોટિફાઈ કર્યા છે. ESICના નવા ‘એમ્પ્લોયી સ્ટેટ ઈન્સ્યોરન્સ
(જનરલ) રેગ્યુલેશન્સ-2026’ જૂના 1950ના નિયમોનું સ્થાન લેશે. આ ફેરફારો સોશિયલ સિક્યોરિટી
કોડ-2020ની જોગવાઈઓને લાગુ કરવા માટે કરવામાં આવ્યા છે.
દેશભરની
પ્રાઈવેટ કંપનીઓ, ફેક્ટરીઓ, કલ-કારખાનાઓમાં કામ કરતા એવા કર્મચારીઓ, જેમની સેલેરી સામાન્ય
રીતે 21 હજાર રૂપિયા/મહિનેથી ઓછી છે, તેઓ ESIC હેઠળ મળતા આર્થિક લાભના દાયરામાં
આવે છે.
ESICના મહાનિર્દેશક (DG) અશોક કુમાર સિંહના જણાવ્યા પ્રમાણે દેશભરના લગભગ
4 કરોડ કર્મચારી અને તેમના પરિવારો એટલે કે કુલ લગભગ 15 કરોડ લોકોને આ ફેરફારથી ફાયદો
પહોંચશે.
નવા
નિયમો હેઠળ બીમારી અને માતૃત્વ લાભના ક્લેમ ઓટોમેટિક પ્રોસેસ કરી શકાશે. આ માટે ત્રણ
શરત પૂરી થવી જરૂરી છે. મેડિકલ સર્ટિફિકેટ ESICના ઈન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા
જારી થયું હોય. એમ્પ્લોયર એટલે કે કંપનીએ પોતાના પોર્ટલ પર જરૂરી મન્થલી રિટર્ન જમા
કરાવ્યું હોય. કર્મચારીનું બેંક ખાતું આધાર સાથે લિંક હોય અને તેનો વીમા નંબર પણ આધાર
સાથે જોડાયેલો હોય.
આ
શરતો પૂરી થવા પર કર્મચારીને અલગથી ક્લેમ અરજી આપવાની જરૂર નહીં પડે. ચૂકવણી ડાયરેક્ટ
બેનિફિટ ટ્રાન્સફર દ્વારા બેંક ખાતામાં કરવામાં આવશે. જો કે, કર્મચારી ઈચ્છે તો ઓટોમેટિક
પ્રોસાસિંગ માટે પાત્ર હોવા છતાં પોતે ઈલેક્ટ્રોનિક અથવા અન્ય માધ્યમથી ક્લેમ કરી શકે
છે.
નવા
નિયમોમાં કામ દરમિયાન ઈજા થવા અથવા દુર્ઘટનાના મામલામાં પણ ક્લેમની પ્રક્રિયા સરળ બનાવવામાં
આવી છે. પહેલાં અસ્થાયી દિવ્યાંગતા એટલે કે ટેમ્પરરી ડિસેબિલિટી ધરાવતા કર્મચારીઓએ
અલગથી ક્લેમ કરવો પડતો હતો.
બીજી
તરફ સ્થાયી દિવ્યાંગતાના મામલામાં કર્મચારીઓ અને દુર્ઘટનામાં મૃત્યુ થાય તો પરિવારના
સભ્યોએ લાભના પ્રથમ હપ્તા માટે અરજી આપવી પડતી હતી. હવે જો ESIC કોઈ ઈજાને કામ સાથે જોડાયેલી દુર્ઘટના માની લે,
તો એમ્પ્લોયર તરફથી આપવામાં આવેલો દુર્ઘટના રિપોર્ટ જ ક્લેમ ગણાશે.