ફલ્લા નજીક કિશોરનું ટેન્કર અડફેટે, હાપામાં શો-રૂમમાં ચોકીદારનું વીજશોકથી મૃત્યુ: નાનીખાવડીમાં કૂવામાં પડી જતા યુવાનનું મૃત્યુ
જામનગર, તા. 20: જામનગર શહેર અને જિલ્લામાં જુદા જુદા બનાવોમાં છનાં મૃત્યુ નીપજ્યાં છે. ફલ્લા નજીક કિશોરનું ટેન્કર અડફેટે, હાપામાં શો-રૂમના ચોકીદારનું વીજશોકથી, નાની ખાવડીમાં કૂવામાં પડી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
જામનગરના ફલ્લા નજીક રમેશભાઈ બાબુભાઈ બાંભવા (ઉં.13) નામનો કિશોર અને તેના માતા મોતીબેન બન્ને વાડીએથી કામ કરી ઘરે જઈ રહયા હતા તે દરમિયાન રોડ ક્રોસ કરતી વેળાએ પૂરઝડપે આવી રહેલા એક ટેન્કરના ચાલકે રમેશને અડફેટે લેતા તેને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. મૃતકના કુટુંબી કાકા બકાભાઈ જહાભાઈ બાંભવાએ પોલીસમાં ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજો બનાવ ગુલાબનગર પાસે રહેતા રમેશભાઈ નરશીભાઈ ચૌહાણ (ઉં.55)ના ખવાસ વૃદ્ધ ચોકીદાર તરીકે નોકરી કરતા હોય અને હાપામાં યામાહાના શો-રૂમના વર્કશોપમાં તેને ઇલેક્ટ્રિક કેબલ વાયર પગમાં આવી જતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી તે જમીન પર પટકાયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
ત્રીજો બનાવ શહેરના હર્ષદમીલની ચાલી પાસે રહેતા અલ્પેશ રાજેશભાઈ થાપલિયા (ઉં.30)એ કોઈ કારણોસર ઘઉંમાં નાખવાની દવા પી લેતા તેને ઝેરી અસર થવાથી તેને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં સારવાર કારગત નિવડે તે પહેલાં તેનું મૃત્યુ નીપજ્યું છે.
ચોથો બનાવ જામનગરમાં ભક્તિનગર શંકરનાં મંદિર પાસે રહેતા અર્ચના જીતેન્દ્રસિંહ કુશવાહ નામની 34 વર્ષીય પરિણીતાને જૂની બીમારી હતી. બીમારીના કારણે તેણીની તબિયત બગડતાત તેણીના પતિએ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી અને ત્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
પાંચમો બનાવ નાની ખાવડી ગામની વાડી વિસ્તારમાં પાણીના ટાંકા પાસે કૂવાની પાળ પર કિશન ડાયાભાઈ શીરા (ઉં.22) નામનો યુવાન બેઠો હતો. તે દરમિયાન ચક્કર આવતા તે કૂવામાં પડી જતા, ડૂબી જવાથી તેનું મૃત્યુ નીપજ્યું છે. મૃતકના ભાઈ જયસુખ ડાયાભાઈ શીરાએ સિક્કા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
છઠ્ઠો બનાવ મેવાસા આંબરડી ગામે રહેતા ભીખાભાઈ રૂડાભાઈ ખેંગારિયા (ઉં.50) નામના પ્રૌઢને પેરાલિસીસનો એટેક આવતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.