રાજસ્થાનના પરિવારની ગુજરાતની પવિત્ર યાત્રા બની અંતિમયાત્રા : દ્વારકાથી સોમનાથ જતી વેળાએ સ્ટિયારિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત : પાંચ ઈજાગ્રસ્ત
પોરબંદર, તા.22 : ગુજરાતના પવિત્ર
યાત્રાધામોના દર્શન કરવાની અભિલાષા સાથે રાજસ્થાનથી આવેલા એક શ્રદ્ધાળુ પરિવાર માટે
નિયતિએ કંઈક અલગ જ લખ્યું હતું. દેવભૂમિ દ્વારકાના દર્શન કરીને સોમનાથ મહાદેવના શરણે
જઈ રહેલા રાજસ્થાનના માડી પરિવારની કારને પોરબંદર નજીક વિસાવાડા પાસે અકસ્માત નડતા
પરિવારના બે મોભીઓનાં કરુણ મૃત્યુ નીપજ્યાં છે. આ દુર્ઘટનામાં પરિવારના અન્ય પાંચ સભ્યો
ગંભીર રીતે ઘાયલ થયા છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજસ્થાનથી ગુજરાતની યાત્રાએ
નીકળેલો માડી પરિવાર દ્વારકાધીશના આશીર્વાદ લઈને પવિત્ર સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન
કરવા જઈ રહ્યો હતો. આ પ્રવાસ દરમિયાન પોરબંદરથી થોડે દૂર વિસાવાડા ગામ નજીક હાઇ વે
પર અચાનક ચાલકે સ્ટિયારિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી કાર પલટી ખાઈને
રોડથી નીચે ઉતરી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ
દિલધડક અકસ્માતમાં પવનદેવી નાગજી માડી નામનાં 60 વર્ષનાં વૃદ્ધાનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું
મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સિવિલ
હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 76 વર્ષના ગણેશરામ હરજી માડીએ
દમ તોડયો હતો. રાજ્યમાંથી આવેલા આ પરિવાર માટે પોરબંદરમાં કોઈ પરિચિત ન હોવાથી રેડ
ક્રોસની ટીમે પરિવારના સભ્યો જેવી ભૂમિકા ભજવી હતી. અકસ્માત બાદની પોલીસ કાર્યવાહી,
પંચનામું અને કાગળકામમાં પરિવાર મુંઝવણમાં હતો ત્યારે રેડ ક્રોસની ટીમે તમામ પ્રક્રિયામાં
સક્રિયપણે મદદ કરી હતી. આ પરિવાર માટે મૃતદેહોને પરત લઈ જવા એ મોટો પડકાર હતો. આ કપરી
પરિસ્થિતિમાં રેડ ક્રોસ સોસાયટીના ચેરમેને ઉદારતા દાખવીને મૃતદેહોને સન્માનપૂર્વક તેમના
વતન મોકલી આપવાની તમામ વ્યવસ્થા કરી આપવાની તૈયારી બતાવી હતી.