• શનિવાર, 27 જુલાઈ, 2024

પાટણના હારીજમાં મામલતદારે ઓફિસના ધાબેથી પડતું મૂક્યું

થોડા દિવસ પહેલા ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતી કે તેમના નામનું ફેક આઈડી અને ફોટા વાળું વ્હોટ્સએપ આઈડી બનાવી કોઈ ખોટી માંગણીઓ કરી રહ્યું છે.

પોલીસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ, તા.11: પાટણ જિલ્લાના હારીજ મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા વી.ઓ. પટેલે કચેરીના નવીન બિલ્ડિંગના ત્રીજા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. વી.ઓ પટેલ દ્વારા ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે કારણ હજુ અકબંધ છે. વી.ઓ. પટેલના આપઘાતના સમાચાર સાંભળતા જ જિલ્લા કલેકટર સહિતના અધિકારી કર્મચારીઓ તેમજ પરિવારજનો અને મિત્રો દોડી આવ્યા હતા. 

આ ઘટના બનતા લોકોનાં ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા. જે બાદ પોલીસને આ સમગ્ર ઘટના બાબતે જણાવતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે દોડી મૃતદેહનું પંચનામું કરી હારીજ સીએસસી સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારજનોને સુપ્રત કર્યો હતો. પરિવારજનો દ્વારા પાર્થિવદેહને તેમના વતન દિયોદર તાલુકાના લીલાધર ગામે લઈ જવાયો હતો. આ અંગે પોલીસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મામલતદારના રહસ્યમય મોતને લઈને અનેક ચર્ચાઓ વહેતી થઈ છે.

અંબાજી ખાતે 51 શક્તિ પીઠના કાર્યક્રમના આયોજન અંગે આજે સાડા ત્રણ કલાકે અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરાયું હોવાથી મામલતદાર વેનાજી ઓ. પટેલે તેના આયોજન માટે સવારે પોતાની પ્રાઇવેટ ગાડીમાં મામલતદાર કચેરી ખાતે આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ મોતની છલાંગ લગાવતા અનેક ચર્ચાઓ થઈ રહી છે. જોકે સાચું કારણ તો પોલીસ તપાસ જ બહાર આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે હારીજ મામલતદાર વેનાજી ઓ. પટેલે 4 ફેબ્રુઆરીના રોજ પોતાના ફેસબુક આઇડી પર એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમના નામનું ફેક આઈડી અને ફોટા વાળું વ્હોટ્સએપ આઈડી બનાવી તેમના ફોટા અને નંબર સેવ કરી કોઈ દ્વારા ખોટી માંગણીઓ કરવામાં આવી રહી છે જેથી કોઈએ કોઈ પણ જાતનો વ્યવહાર કરવો નહીં ત્યાર બાદ આજે તેમનું મૃત્યુ થતા તેને લઈને રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક