• મંગળવાર, 23 એપ્રિલ, 2024

કોર્ટ કેસ ચાલુ હોવાથી જેલમાં જવું ન પડે માટે વૃદ્ધ વેપારીએ ચીલઝડપ થયાનું રચ્યું’તું તરકટ આર્થિક ભીંસ અને જેલમાં જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાતા વેપારીએ ખેલ કર્યો’તો

રૂ. 9.30 લાખની રોકડ રકમ કબજે: માણાવદરમાં સાડા નવ લાખની ચીલઝડપનો ભેદ ઉકેલાયો

માણાવદર, તા.રર : માણાવદરમાં રહેતા વયોવૃદ્ધ વેપારી પાસેથી સાડા નવ લાખની રોકડ રકમની ચીલઝડપ થયાના બનાવનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો અને વેપારીએ કોર્ટકેસમાં નાણા ભરપાઈ કરવાથી જેલમાં જવું ન પડે તે માટેથી સાડા નવ લાખની રકમની ચીલઝડપ થયાનું તરકટ કર્યાનું ખુલ્યું હતું. પોલીસે વૃદ્ધ વેપારીને ઝડપી લઈ સાડા નવ લાખની રકમ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, માણાવદરમાં નીલકમલ પાર્કમાં રહેતા અને અલગ અલગ જીનમીલોમાં કપાસ અને કપાસીયાની દલાલીનું કામ કરતા દિનેશભાઈ ગોવિંદભાઈ કાલરિયા નામના વૃદ્ધ રૂ.9.30 લાખની રકમ લઈને બાઈકમાં બેસી જૂનાગઢ રોડ પર સનલાઈટ કોટેક્સ મિલમાં ઉમેશ વિઠ્ઠલભાઈને ખેડૂતોને આપવા માટે નીકળ્યા હતા.

દરમિયાન આઈટીઆઈથી આગળ જાંબુડા ગામના કાચા રસ્તા પાસે બાઈકમાં આવેલા બે અજાણ્યા શખસ રોકડ રકમની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે દિનેશભાઈ કાલરિયાની ફરિયાદ પરથી બે અજાણ્યા શખસ સામે ગુનો નોંધ્યો હતો.

આ બનાવના પગલે જિલ્લાભરમાં પોલીસે નાકાબંધી કરાવી હતી. બાદમાં દિનેશભાઈ જે રસ્તેથી નીકળ્યા હતા તે સહિતના આસપાસના રસ્તાઓ પરના સીસીટીવી કેમેરા તેમજ આ બનાવ સંદર્ભે કોને કોને જાણ કરી હતી. તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરી હતી અને દિનેશભાઈને બનાવ સ્થળે સહિતના આસપાસના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવતા દિનેશભાઈ કાલરિયા ભાંગી પડયા હતા અને વંથલી કોર્ટમાં કેસ ચાલુ હોય નાણા ભરપાઈ કરી આપે તો જેલમાં જવું ન પડે અને ધરખર્ચાના પણ નાણા ન હોય ચીલઝડપ થયાનુ તરકટ કર્યાની કબૂલાત આપી હતી અને નાણા તેના ઘેર રાખી દીધાનું જણાવ્યું હતું. પોલીસે દિનેશભાઈ કાલરિયાની અટકાયત કરી રૂ.9.30 લાખની રોકડ રકમ કબજે કરી હતી. બનાવનો ભેદ ઉકેલાઈ જતા પોલીસે રાહત અનુભવી હતી અને પોલીસને ગેરમાર્ગે દોરવામાં આવી હોય પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક