• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

કુવાડવા પાસે પરપ્રાંતીય યુવાનની ધોકાના ઘા ઝીંકી હત્યા પરમ દિવસે વાડીએથી નીકળ્યા બાદ મૃતદેહ મળ્યો

રાજકોટ, તા.1 : કુવાડવા ગામ પાસેની વાંકાનેર ચોકડી નજીક આવેલી હોટલ પાસેથી પરપ્રાંતીય યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો અને અજાણ્યા શખસો સામે ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, કુવાડવા ગામ પાસેની વાંકાનેર ચોકડી પાસે આવેલી માધવ હોટલ પાસે એક પરપ્રાંતીય યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં કુવાડવા પોલીસમથકનો સ્ટાફ તેમજ એલસીબીનો સ્ટાફ દોડી ગયો હતો અને હાથ ધરેલી તપાસમાં મૂળ એમપી પંથકનો અને હાલમાં મઘરવાડા ગામે નથુભાઈની વાડીએ ખેતમજૂરી કામ કરતો પાકિયાભાઈ ઉર્ફે વિનોદ પાડવીભાઈ ગેદરિયા નામનો યુવાન હોવાનું ખુલ્યું હતું તેમજ નજીકમાંથી લાકડાનો ધોકો મળી આવ્યો હતો અને રેકડીમાં સુતેલા પાકિયાભાઈને માથામાં ધોકો ફટકારી હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું. પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક પાકિયાભાઈ મજૂરી ઉપરાંત ભંગારની ફેરી કરતો હતો અને પરમ દિવસે વાડીએથી નીકળ્યા બાદ પરત ફર્યો નહોતો અને આજે હત્યા કરાયેલી લાશ મળી હતી. મૃતક પાકિયાભાઈ પાંચભાઈમાં ચોથા નંબરે હતો. પત્ની અને સત્તાનો વતન એમપીમાં રહે છે. આ બનાવના પગલે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હત્યારાઓ સંદર્ભે તપાસનો ધમધમાટ શરૂ કર્યે હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક