• શનિવાર, 27 જુલાઈ, 2024

જૂનાગઢમાં જાહેર માર્ગ ઉપર વેપારીને આંતરી જીવલેણ હુમલો : ગંભીર ઈજા

દુકાનેથી કપડા લઈ જવાની માથાકૂટમાં આચારસંહિતા

પુરી થયા બાદ પતાવી દેવાની આપી હતી ધમકી

 

જૂનાગઢ, તા.26: જૂનાગઢના મોતીબાગ રોડ ઉપર એક શખસે વેપારીને આંતરી, લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગેની વિગત પ્રમાણે અહીંના મોતીબાગ રોડ ઉપર ગિરનાર હાઈટસમાં રહેતા અને કપડાની દુકાન ધરાવતા અભય પ્રવિણ ગોહીલ (ઉ.22)ની દુકાનેથી કડિયાવાડનો આદિત્ય ઉર્ફે ગાંધી સોલંકી ત્રણ વાર કપડા લઈ ગયેલ અને નુક્શાન કરી પરત કર્યા હતા એટલું જ નહીં આચારસંહિતા પૂર્ણ થયા બાદ પતાવી દેવાની ધમકી આપી હતી.

આ ધમકી મુજબ આદિત્ય સોલંકી પોતાની સ્વીફ્ટ કાર નં.જીજે-સીડી-2016 લઈ કાળવા ચોકમાં વેપારી અભયની રાહ જોતો હતો ત્યાં વેપારી પોતાની બુલેટ ઉપર પસાર થતા રોકાવા બુમ પાડી હતી પરંતુ ભયને કારણે વેપારીએ પોતાની બુલેટ રોકી ન હતી.

આ સાથે આદિત્યએ પોતાની ફોર વ્હીલ પાછળ દોડાવી ગિરનાર હાઈટસ નજીક બુલેટ આડે કાર રાખી આંતર્યો હતો અને ગાળો કાઢી જેકના લોખંડના સળિયા વડે પતાવી દેવાના ઈરાદે હુમલો કરી માથામાં દસ થી પંદર ઘા કરી ગંભીર ઈજા પહોંચાડી હતી.

તેવામાં રોહન ધનજીભાઈ વાળા વચ્ચે પડતા તેમના ઉપર સળિયા વડે હુમલો કરી વેપારી અભયનો મોબાઈલ ફોન તોડી નાસી ગયો હતો. બાદમાં ઘવાયેલા વેપારી યુવાનને હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે સી ડિવીઝન પોલીસે અભય પ્રવિણ ગોહિલની ફરિયાદના આધારે આદિત્ય ઉર્ફે ગાંધી સોલંકી સામે હત્યાની કોશીષનો ગુનો નોંધી તપાસ પીએસઆઈ આર.પી.વણઝારાએ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક