નવી દિલ્હી, તા. 13 : પાકિસ્તાનમાં
વર્તમાન સમયે સેના અને પોલીસ વચ્ચે તકરાર ચાલી રહી છે. જેના પરિણામે ઉત્તર પશ્ચિમી
પાકિસ્તાનમાં પોલીસ હડતાલ કરી રહી છે. પોલીસના કહેવા પ્રમાણે આ ક્ષેત્રથી સુરક્ષા એજન્સીઓ
અને સેનાને બહાર કરી દેવામાં આવે. પાંચ દિવસથી પોલીસની હડતાલ ચાલી રહી છે. નવમી સપ્ટેમ્બરે
સેંકડો પોલીસ કર્મચારીઓએ ઈન્ડસ હાઈવે ઉપર ચક્કાજામ કરી દીધું હતું. આ હાઈવે પેશાવરથી
કરાચીને જોડે છે. ખૈબર પખ્તુન્ખ્વાના લક્કી મારવાતમાં પોલીસે પ્રદર્શન કર્યું હતું.
તેમને કહેવા પ્રમાણે સેના પોલીસના કામમાં દરમિયાનગીરી કરે છે.
વિસ્તારની આસપાસના પોલીસ અધિકારીઓ
પણ પ્રદર્શનમાં સામેલ થયા હતા. જેમાં બન્નુ, ડેરા ઈસ્માઈલ ખાન અને ટાંક જીલ્લાના પોલીસ
અધિકારી સામેલ હતા. પોલીસનું સમર્થન કરવા માટે ઘણા રાજકીય દળો સાથે આવ્યા હતા. પ્રદર્શનકારી
પોલીસના કહેવા પ્રમાણે આઈએસઆઈ અને સૈન્ય એજન્સીઓ વિસ્તારનો માહોલ ખરાબ કરી રહી છે.
તેમના ઘણા સાથીઓને કિડનેપ કરી લેવામાં આવ્યા છે અથવા તો તાલીબાનીઓએ મારી નાખ્યા છે.