નવી દિલ્હી, તા.15 : અમેરિકા સાથે ટ્રેડ ડીલ થયા બાદ દાવો કરવામાં આવતો હતો કે ભારત અમેરિકાના પ્રેશરમાં આવી ગયું છે અને હવે રશિયા પાસેથી ઓઇલ ખરીદશે નહીં. વિપક્ષ પણ સરકાર પાસેથી સ્પષ્ટીકરણ માગી રહ્યું હતું, પણ વિદેશ મંત્રી એસ. જયશંકરે ખુલ્લીને કહી દીધું છે કે કોઈના પ્રેશરમાં અમે આવવાના નથી. મ્યુનિખ સિક્યોરિટી કોન્ફરન્સમાં દિલ્હી ડિસાઇડ્સ વિષય પર ચર્ચા કરતા જયશંકરે સ્પષ્ટ કહી દીધું કે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે ઓઇલ ક્યાંથી ખરીદશે, તેનો નિર્ણય ખાલી ભારત કરશે. ભારતના નેશનલ ઇન્ટરેસ્ટમાં જે હશે, તેના આધાર પર નિર્ણય થશે. જયશંકરે મ્યુનિખમાં કહ્યું કે, ભારતની ઓઇલ કંપનીઓ, પછી તે સરકારી હોય કે ખાનગી બજારનો માહોલ જોઈને નિર્ણય લે છે. અમારી પ્રાથમિકતા અમારી એનર્જી સિક્યોરિટી છે અને અમે અમારી સ્ટ્રેટેજિક ઓટોનોમી બનાવી રાખીશું.
જયશંકર કહી રહ્યા છે કે જો રશિયા પાસેથી ઓઇલ ખરીદવું
અમારા દેશનાં હિતમાં હશે તો અમે ખરીદીશું.
મ્યુનિક સુરક્ષા પરિષદમાં જર્મન નેતા જોહાન વાડેફુલ સાથેની ચર્ચા દરમિયાન એસ.
જયશંકરે જણાવ્યું હતું કે, અમે વ્યૂહાત્મક સ્વાયત્તતા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.
તે અમારા ઇતિહાસ અને વિકાસનો અભિન્ન ભાગ છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનો નિર્ણય
કોઈ રાજકીય વલણ નથી, પરંતુ બજારની જરૂરિયાત છે. ભારતની ઓઇલ કંપનીઓ ઉપલબ્ધતા, ખર્ચ અને
જોખમોને ધ્યાનમાં રાખીને વ્યાપારી નિર્ણયો લે છે.