• શુક્રવાર, 01 નવેમ્બર, 2024

મધ્યપ્રદેશમાં સાત હાથીનાં મોત, ઝેર અપાયાની શંકા

ઉમરિયાની ઘટનાથી હડકંપ : ત્રણની હાલત ગંભીર : પાંચ ટીમ દ્વારા તપાસ

ઉમરિયા, તા. 30 : મધ્યપ્રદેશના ઉમરિયામાં બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં હાથીનાં મોતનો સિલસિલો જારી રહેતાં હડકંપ મચ્યો હતો. મંગળવારે જંગલમાં ચાર હાથીના મૃતદેહ મળ્યા બાદ બુધવારે વધુ ત્રણ ગજનાં મોત થયાં હતાં, તો ત્રણની હાલત ગંભીર બતાવાઈ હતી. પ્રાથમિક તપાસમાં તબીબોએ હાથીને ઝેર અપાયાની આશંકા વ્યક્ત કરી હતી.

એક મીડિયા હેવાલ મુજબ, ટાઈગર રિઝર્વના ડેપ્યુટી ડાયરેક્ટર પીકે વર્માએ જણાવ્યું હતું કે, હાલમાં ફોરેસ્ટ રિઝર્વમાં જંગલી હાથીની સંખ્યા 60 છે. મૃત હાથીઓનું પોસ્ટમોર્ટમ ચાલુ છે. આઠ તબીબની ટીમ આ કામમાં લાગી છે. તબીબોના મતે હાથીઓને ઝેર અપાયું હોઈ શકે યા ખાવામાં કોઈ એવો પદાર્થ આવી ગયો હોય જેના કારણે તેમને ડિહાઈડ્રેશન થતાં મોત થયું હોઈ શકે. ત્રણ હાથીની સઘન સારવાર ચાલુ છે તેવું તબીબોએ જણાવ્યું હતું.

હાથીઓનાં મોતના પગલે વન વિભાગે પાંચ ટીમ બનાવી આસપાસના પાંચ કિલોમીટર વિસ્તારમાં તપાસ આદરી છે. તે ઉપરાંત ડોગસ્કવોડ પણ કામે લગાડાઈ છે, જેથી કોઈએ જાણીબૂઝીને હાથીઓને ઝેર આપી રહ્યું છે કે કેમ તે જાણી શકાય.

ઇ-પેપરના નવા શુલ્ક