સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી :
ગંભીર અપરાધનાં આરોપીને ચૂંટણી લડતા રોકવા કે નહીં, કરશે વિચાર
નવી દિલ્હી, તા.23 : ગંભીર અપરાધોનાં
આરોપીને ચૂંટણી લડતા રોકવા શું ઉચિત છે? ચૂંટણી લડવી કે ચૂંટણી પ્રચાર કરવો શું મૌલિક
અધિકારોમાં સામેલ છે? આ સંબંધિત તમામ સવાલો ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
સુપ્રીમ કોર્ટમાં વકીલ અશ્ચિની
ઉપાધ્યાય દ્વારા એક મૌખિક અરજી રાખવામાં આવી હતી. તેમની દલીલ એવી હતી કે, ચૂંટણી લડવી,
પ્રચાર કરવો મૂળભૂત અધિકાર નથી. કરોડો લોકોનાં દેશમાં માત્ર પાંચેક હજાર બેઠકો, જનપ્રતિનિધિ
માટે ચૂંટણી યોજાતી હોય છે. તો શું આપણે આટલા પ્રમાણિક લોકોને પણ ચૂંટણી લડવા માટે
શોધી ન શકીએ? આ મુદ્દે જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું હતું કે, કેટલા ઈમાનદાર લોકો ચૂંટણી
લડવા માટે આગળ આવે છે તે બારામાં રાષ્ટ્રીય ચિંતન આવશ્યક છે.
સુપ્રીમ કોર્ટે પછી સવાલ કર્યો
હતો કે, એક શખસ જે બળાત્કાર કે હત્યા જેવા ગંભીર અપરાધોનો આરોપી છે તેને ચૂંટણી લડતા
રોકવા યોગ્ય ગણાશે? કારણ કે જો ખટલો પૂરો થયા બાદ તે નિર્દોષ પુરવાર થાય તો તેને જે
નુકસાન થશે તેની ભરપાઈ કોણ કરશે? ત્યારબાદ અદાલત આ મામલે સુનાવણી માટે તૈયાર થઈ ગઈ
હતી અને 27 જાન્યુઆરીએ આગામી સુનાવણી મુકરર કરી હતી.