નવી
દિલ્હી, તા. 9 : સુપ્રીમ કોર્ટે બુધવારે માર્ગ અકસ્માતના પીડિતોને કેશલેસ (રોકડ ચૂકવણા
વિના) તબીબી સારવારની યોજના લાવવામાં વિલંબ બદલ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી અને
દેશના માર્ગ વાહન વ્યવહાર સચિવને ખુલાસા માટે બોલાવ્યા હતા.અદાલતે આઠમી જાન્યુઆરીના
આદેશ આપ્યો હતો, છતાં કેન્દ્ર સરકારે તેનું પાલન કર્યું નહીં, તેની સામે ન્યાયમૂર્તિ
અભય ઓકા અને ઉજ્જવળ ભુઇયાની ખંડપીઠે વાંધો ઉઠાવ્યો હતો.સુપ્રીમે કહ્યું હતું કે, અપાયેલો
સમયગાળો 15મી માર્ચ 2025ના પૂરો થઇ ગયો છે. આ માત્ર કોર્ટના આદેશનો જ નહીં, પરંતુ ભારે
લાભદાયક ખરડાના અમલનોયે ભંગ છે. અમે દેશના માર્ગ-પરિવહન મંત્રાલયના સચિવને વીડિયો કોન્ફરન્સિંગ
મારફતે હાજર થઇને આ અદાલતના નિર્દેશોનો અમલ શા માટે નથી કરાયો, તેની સ્પષ્ટતા કરવાનો
નિર્દેશ આપીએ છીએ, તેવું ખંડપીઠે જણાવ્યું હતું. અધિક સોલિસિટર જનરલ વિક્રમજિત બેનર્જીએ
જણાવ્યું હતું કે, વિધેયકમાં કેટલીક ખામીઓ હતી એટલે કેન્દ્ર સરકારે તરત અમલ કર્યો નથી.
જો કે, સુપ્રીમે કહ્યું હતું કે, આ તમારો પોતાનો ખરડો છે. કેશલેસ સારવારની સુવિધા નહીં
હોવાથી લોકો જિંદગી ખોઇ રહ્યા છે.આ સામાન્ય
જનતાના લાભ, કલ્યાણ માટેની બાબત છે. અમે અદાલતની અવહેલનાનાં પગલાં લઇશું. આપના સચિવને
ખુલાસો કરવા માટે કહો, તેવો નિર્દેશ સુપ્રીમે કેન્દ્ર સરકારને આજે આપ્યો હતો.સચિવને
28 એપ્રિલ સુધી ખુલાસો કરવા સાથે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને હીટ એન્ડ રનના છુપા કેસોના
દાવા અપલોડ કરવાને લેખિત સૂચના આપવાનો નિર્દેશ પણ સુપ્રીમે આપ્યો હતો.