• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

કેવી રીતે તહવ્વુર રાણાનું પ્રત્યાર્પણ શક્ય બન્યું

કોરોના સમયે મુક્ત કરવામાં આવતા જ ભારતે કરી પ્રત્યાર્પણ અરજી : ભારતમાં ગંભીર આરોપો લાગ્યા હોવાથી અમેરિકી અદાલતે રાણાને પ્રત્યાર્પણ સંધિમાં ફીટ માન્યો

નવી દિલ્હી, તા. 10 : 26-11 મુંબઈ હુમલાનો વોન્ટેડ આરોપી અને સાજીશકર્તા તહવ્વુર રાણા ભારતને સોંપી દેવાયો છે. જો કે આ કામ એટલું સરળ અને સહજ નહોતું. આ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા સૌથી મહત્ત્વપૂર્ણ પ્રત્યાર્પણમાંથી એક છે કારણ કે આ માટે એનઆઈએ અધિકારીઓએ વારંવાર અમેરિકાન ચક્કર કાપવા પડયા છે અને અમેરિકી સરકારને રાણાના પ્રત્યાર્પણ માટે મનાવવી પડી છે.આ ઉપરાંત રાણા જ્યારે મુક્ત થવાનો હતો ત્યારે તેને ફરીથી હિરાસતમાં રાખવા માટે પણ અમેરિકી સરકાર સાથે લાંબી વાતચીત ચાલી હતી.

64 વર્ષિય તહવ્વુર હુસૈન રાણા પાકિસ્તાનમાં જન્મેલો કેનેડીયન નાગરિક છે. તેની અમેરિકી અધિકારીઓએ 18 ઓક્ટોબર 2009ના ધરપકડ કરી હતી. જેનાથી બે અઠવાડીયા પહેલા રાણાના બાળપણના મિત્ર ડેવિડ કોલમેન હેડલીની ધરપકડ થઈ ચુકી હતી. ભારતે હેડલી માટે પણ પ્રત્યાર્પણ અનુરોધ મોકલ્યો હતો પણ અમેરિકાએ ઈનકાર કર્યો હતો કારણ કે હેડલીએ મુંબઈ હુમલા સહિતના 12 આરોપમાં દોષિત હોવાની વાત સ્વીકારી હતી.

બીજી તરફ રાણા ઉપર અમેરિકામાં ત્રણ કેસ શરૂ થયા હતા. જેમાં ભારતમાં આતંકવાખદને પ્રોત્સાહનની સાજીશ, ડેનમાર્કમાં આતંકી સાજીશ અને એક વિદેશી આતંકી સંગઠનને સહાયનો કેસ સામેલ હતો. આ દરમિયાન ભારતે તહવ્વુરને વોન્ટેડ ઘોષિત કર્યો હતો અને 28 ઓગસ્ટ 2018ના તેની સામે સાજીશ, યુદ્ધ છેડવું, હત્યા કરવી, છેતરપિંડી, આતંકી હુમલા જેવા આરોપો મુદ્દે ધરપકડ વોરન્ટ જારી કર્યું હતું.  બાદમાં રાણાને ડેનમાર્ક સંબંધિત સાજીશ અને તૈયબાને સહાયના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો પણ મુંબઈ હુમલાની સાજીશમાંથી મુક્ત કર્યો હતો. 17 જાન્યુઆરી 2013ના રાણાને 168 મહિનાની જેલની સજા થઈ હતી. સાત વર્ષ જેલમાં રહ્યા બાદ દયા અરજી મંજૂર થઈ હતી. તહવ્વુર મુક્ત થવાનો હતો ત્યારે જ ભારતે પ્રત્યાર્પણ અરજી કરી હતી. જેનાથી 10 જૂન 2020મા ફરીથી ધરપકડ થઈ હતી.

2020મા રાણાના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ થતા જ એનઆઈએએ પણ દસ્તાવેજો સહિતની કામગીરી શરૂ કરી હતી. 16 મે 2023ના કેલિફોર્નિયાની જીલ્લા અદાલતે ભારતને પ્રત્યાર્પણની મંજૂરી આપી હતી. તો રાણાએ અરજી પડકારી હતી પરંતુ તેની અરજી ખારિજ થઈ હતી. 15 ઓગસ્ટ 2024ના પ તેની અરજી અન્ય કોર્ટે ફગાવતા 13 નવેમ્બરના રાણા સુપ્રીમમાં પહોંચ્યો હતો. જો કે આ અરજી પણ ફગાવવામાં આવતા પ્રત્યાર્પણનો વધુ એક રસ્તો સાફ થયો હતો. જો કે છેલ્લો પ્રયાસ કરતા રાણાએ માનવીય આધારે પ્રત્યાર્પણ રોકવા કહ્યું હતું પણ તેના તર્ક અદાલતમાં સ્વીકાર થયા નહોતા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક