નવી
દિલ્હી, તા.10 : રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કાળકાળ ગરમીનો
પ્રકોપ ચાલુ રહ્યો છે. રાજસ્થાનના બાડમેરમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યનું સૌથી વધુ
46.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ દિલ્હીમાં છેલ્લાં ત્રણ વર્ષમાં
એપ્રિલ મહિનામાં સૌથી વધુ 25.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહેતા રાત્રે પણ લોકો શેકાયા હતાં.
જોકે હવામાન વિભાગે 10-11 એપ્રિલે રાજસ્થાન, હિમાચલપ્રદેશ, આંધ્રપ્રદેશના વિસ્તારોમાં
હળવા વરસાદની આગાહી કરી હોવાથી ગરમીપમાં રાહત મળવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા
અનુસાર રાજસ્થાનમાં તીવ્ર હીટવેવની સ્થિતિ જળવાઈ રહેવાની ધારણા છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ
સક્રિય બન્યું હોવાથી 10-11 એપ્રિલે બિકાનેર, જયપુર, ભરતપુર અને જોધપુર ડિવિઝનના વિસ્તારોમાં
પ્રતિકલાક 40થી 50 કિમીના ઝડપે ભારે પવન સાથે વાવાઝોડું અને હળવા વરસાદની ધારણા છે.
દિલ્હી બુધવારે સતત ત્રીજા દિવસે હીટવેવમાં શેકાયું હતું. દિવસની કાળઝાળ ગરમી પછી રાત્રે
પણ તાપમાન 25.6 ડિગ્રી જેટલું ઊંચું રહેતા દિલ્હીવાસીઓને એપ્રિલમાં સિઝનની પહેલી ‘ગરમ’
રાતનો અનુભવ થયો હતો. સોમવારે દિલ્હીમાં સીઝનની પહેલી હીટવેવ નોંધાઈ હતી. સોમવારે મહત્તમ
તાપમાન 40.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. બુધવારે શહેરમાં એપ્રિલમાં ત્રણ
વર્ષમાં સૌથી વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું અને ગરમીનો પારો 25.6 ડિગ્રી રહ્યો
હતો, જે સામાન્ય કરતાં 5.6 ડિગ્રી વધારે હતું. દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ
233ના ઊંચા સ્તરે રહ્યો હતો.હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુરુવારે હિમાચલના ચંબા,
કુલ્લુ, કાંગડા અને લાહૌલ અને સ્પીતિના કેટલાક સ્થળોએ હળવો વરસાદ અને બરફ પડવાની શક્યતા
છે અને શુક્રવારે શિમલા, સિરમૌર સોલન અને કાંગડાના ઘણા ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ
પડી શકે છે.