ચીનનાં હિત જોખમાય તેવી અમેરિકા સાથે કોઈપણ સમજૂતી કરનાર દેશને ભારે પડશે: ચીન
નવી
દિલ્હી, તા.21: અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ યુદ્ધમાં નવો અને ગંભીર વળાંક આવ્યો છે.
ચીને હવે અમેરિકા સાથે વેપાર સમજૂતી કરવા માગતા દેશોને ધમકી આપી દીધી છે. ચીને ચેતવણીમાં
કહ્યું છે કે, કોઈપણ દેશ અમેરિકા સાથે વ્યાપાર સમજૂતી કરશે અને જો તે ચીનનાં હિતની
ખિલાફ હશે તો તેને કોઈપણ હિસાબે સ્વીકારવામાં આવશે નહીં, જવાબી પગલાં લેવામાં આવશે.
ચીનની આ ધમકી એવા સમયે આવી છે જ્યારે અહેવાલો આવી રહ્યાં છે કે, ટ્રમ્પ પ્રશાસન અનેક
દેશો ઉપર દબાણ કરી રહ્યું છે કે, જો તેને અમેરિકાનાં ટેરિફમાં છૂટ જોઈતી હોય તો તેણે
ચીન સાથે વેપારને સીમિત કરવો પડશે.
ઉલ્લેખનીય
છે કે, અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે
દુનિયાભરનાં દેશો ઉપર 10 ટકા ટેરિફ લાદી દીધો છે. જ્યારે ચીન ઉપર આ દર 24પ ટકા કરી
નાખવામાં આવ્યો છે. ચીને પણ જવાબમાં અમેરિકાથી થતી આયાત ઉપર 12પ ટકા ટેરિફ નાખ્યો છે.
અમેરિકા અને ચીનનું આ વેપાર યુદ્ધ હવે દુનિયામાં આર્થિક સંકટ સર્જે તેવી આશંકા ઘેરી
વળી છે. ચીનનાં વાણિજ્ય મંત્રાલયે હવે નિવેદન જારી કરીને રીતસરની ધમકી જ આપી છે કે,
કોઈપણ દેશ જો ચીનનાં હિતો અવગણીને અમેરિકા સાથે કોઈ મોટો સોદો કરશે તો આખરે બન્ને પક્ષોને
નુકસાન જ થશે.