1963ના ચીન-પાકિસ્તાન બોર્ડર એગ્રીમેન્ટને માન્યતા આપી નથી : ભારત
નવી
દિલ્હી, તા.13 : ભારતનો સખત વાંધો છતાં ચીને સોમવારે ફરી એકવાર શક્સગામ ખીણ પર પોતાનો
દાવાઓ કર્યો અને કહ્યું કે આ વિસ્તારમાં તેના માળખાગત પ્રોજેક્ટ્સ સંપૂર્ણપણે વાજબી
છે. ગયા શુક્રવારે ભારતે શક્સગામ ખીણમાં ચીનના માળખાગત પ્રોજેક્ટ્સની ટીકા કરતા કહ્યું
કે તે ભારતીય ક્ષેત્ર છે અને ભારત પોતાના હિતોનું રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લેવાનો
અધિકાર રાખે છે.
પાકિસ્તાને
1963માં ગેરકાયદેસર રીતે કબજે કરેલા ભારતીય પ્રદેશમાંથી 5180 ચોરસ કિલોમીટર શક્સગામ
ખીણ ચીનને સોંપી દીધી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે શક્સગામ
ખીણ ભારતીય ક્ષેત્ર છે. અમે 1963ના કહેવાતા ચીન-પાકિસ્તાન બોર્ડર એગ્રીમેન્ટને ક્યારેય
માન્યતા આપી નથી. અમે સતત કહ્યું છે કે આ કરાર ગેરકાયદેસર અને અમાન્ય છે. તેમણે ઉમેર્યું
કે અમે કહેવાતા ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરને માન્યતા આપતા નથી કારણ કે તે ભારતીય
પ્રદેશમાંથી પસાર થાય છે જે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર અને બળજબરીથી કબજે કરવામાં
આવ્યો છે.
ચીનના
વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે એક પ્રેસ કોન્ફરન્સમાં જવાબ આપ્યો કે તમે જે વિસ્તારનો
ઉલ્લેખ કરી રહ્યા છો તે ચીનનો ભાગ છે. ચીનની પોતાના ક્ષેત્રમાં માળખાગત પ્રવૃત્તિઓ
સંપૂર્ણપણે વાજબી છે. માઓએ કહ્યું કે ચીન અને પાકિસ્તાને 1960ના દાયકામાં બન્ને દેશો
વચ્ચે સરહદનું સીમાંકન કરીને સરહદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ સાર્વભૌમ દેશો તરીકે
ચીન અને પાકિસ્તાનનો અધિકાર છે. પાકિસ્તાન-અધિકૃત કાશ્મીરના પ્રદેશના વિભાજન અંગે
1963નો કરાર પાકિસ્તાન અને ચીન માટે મહત્ત્વપૂર્ણ હતો કારણ કે તેણે તેમને એક સામાન્ય
સરહદ પૂરી પાડી હતી જે અન્યથા તેમની પાસે ન હોત. કરારમાં એક કલમમાં જણાવાયું છે કે
પાકિસ્તાન અને ભારત વચ્ચે કાશ્મીર મુદ્દાના સમાધાન પછી સાર્વભૌમ સત્તા ઔપચારિક સરહદ
સંધિ પર હસ્તાક્ષર કરવા માટે ચીની સરકાર સાથે વાટાઘાટો ફરી શરૂ કરશે.
ચીન-પાક.ને
ભારતની ચેતવણી
નવી
દિલ્હી, તા.13: ભારતના વિસ્તાર શક્સગામ ખીણ પર ચીને દાવો કર્યાના એક દિવસ બાદ સેના
પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પુનરોચ્ચાર કર્યો હતો કે 1963માં પાકિસ્તાન અને ચીન
વચ્ચે થયેલી સમજૂતી ભારત માટે સંપૂર્ણ ગેરકાનૂની અને અમાન્ય છે. દ્વિવેદીએ કહ્યું કે
શક્સગામ ખીણ ભારતનો જ હિસ્સો છે અને ત્યાં કોઈ પણ પ્રકારની ગતિવિધિને ભારત માન્યતા
આપતું નથી. આ મુદ્દા પર વિદેશ મંત્રાલય પણ અગાઉ?જ સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે ભારત
પોતાના હિતોનાં રક્ષણ માટે દરેક જરૂરી પગલાં ભરવાનો અધિકાર ધરાવે છે.
ઉલ્લેખનીય
છે કે ચીને ભારતના આ વિસ્તાર પર દાવો કરીને વિવાદ સર્જ્યો હતો. જમ્મુ-કાશ્મીરની શક્સગામ
ખીણને ચીને પોતાનો વિસ્તાર ગણાવવાની હરકત કર્યા બાદ બંને દેશ વચ્ચે સંબંધ તંગ બન્યા
છે. વીતેલા દિવસો દરમ્યાન ભારતે શક્સગામ ઘાટીમાં ચીન તરફથી માળખાંકીય કામો કરાતાં વાંધો
ઉઠાવ્યો હતો. આ અંગે જ્યારે ચીનને સવાલ કરવામાં આવ્યો ત્યારે ચીની વિદેશમંત્રાલયના
પ્રવક્તા માઓ નિંગે તેને ચીનનો હિસ્સો ગણાવી દીધો હતો. સેના પ્રમુખે પત્રકાર પરિષદમાં
જણાવ્યું હતું કે પાકિસ્તાને 1963ની સમજૂતી હેઠળ શક્સગામ ખીણનો ભાગ પાકિસ્તાને ચીનને
સોંપ્યો હતો જેનો ભારત ક્યારેય પણ સ્વીકાર કરતો નથી.