ઈટાલીનાં અખબારનો સનસનીખેજ દાવો : પાયલટ એસોસિયેશન અને પરિજનોએ અહેવાલને વખોડયો
નવી
દિલ્હી, તા.12: અમદાવાદમાં એર ઈન્ડિયાનાં વિમાનની ભીષણ દુર્ઘટનાની તપાસનો સ્ટેટસ રિપોર્ટ
સુપ્રીમ કોર્ટ તરફથી માગવામાં આવ્યાનાં બીજા દિવસે આજે ઈટાલીનાં એક અખબારે દાવો કર્યો
છે કે, ભારતીય તપાસકર્તાઓ પોતાનાં અહેવાલમાં ફ્લાઈટ 171નાં એક પાયલોટે જાણી જોઈને ફ્યૂલ
સ્વીચ બંધ કરી હોવાથી વિમાન તૂટી પડયું હોવાનું કહી શકે છે.
સૂત્રોનાં
હવાલેથી અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય તપાસકારો પોતાનાં અંતિમ અહેવાલમાં
કહી શકે છે કે, વિમાન તૂટી પડવાનું કારણ એક પાયલટે લગભગ ઈરાદાપૂર્વક ઈંધણની સ્વીચ બંધ
કરી નાખી હોવાનું હોઈ શકે છે.
ઈટાલીનાં
અખબાર કોરિએર ડેલા સેરાએ પોતાનાં અહેવાલમાં પશ્ચિમી વિમાનન એજન્સીઓનાં સૂત્રોનાં હવાલેથી
કહ્યું છે કે, આવો નિષ્કર્ષ કોકપિટ વોઈસ રેકોર્ડિંગની તપાસની સાથે એ વાત ઉપર પણ આધારિત
છે કે, વિમાનમાં કોઈ જ બીજી ટેકનિકલ ખરાબી નહોતી મળી આવી.
આ દાવા
ઉપર વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરો (એએઆઈબી) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયની કોઈ પ્રતિક્રિયા
હજી સુધી આવી નથી. તપાસનાં અંતિમ અહેવાલમાં ફ્યૂલ સ્વીચ ઈરાદાપૂર્વક બંધ કરવામાં આવી
હોવા ઉપરાંત સ્પષ્ટ રીતે કોઈની જવાબદારી નક્કી કરવામાં આવશે તે હજી સુધી સ્પષ્ટ નથી
પરંતુ અખબારી અહેવાલ અનુસાર મુખ્ય સંદિગ્ધ એરક્રાફ્ટનાં કમાન્ડર સુમીત સભરવાલ છે. જો
કે ભારતીય પાયલટ એસોસિયેશન અને સભરવાલ પરિવારે આ અહેવાલની નિંદા કરી છે. તેમનું કહેવું
છે કે, દુર્ઘટના માટે કોઈને બલીનો બકરો બનાવી નાખવાની આ સુનિયોજિત કોશિશ છે. દુર્ઘટનામાં
વિમાન નિર્માતા, એરલાઈન સહિત અન્ય પરિબળોની બારીકાઈથી તપાસ થવી જોઈએ.
બીજીબાજુ
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ડિસેમ્બરમાં એએઆઈબીનાં ભારતીય તપાસકર્તાઓ વોશિંગ્ટન
ગયા હતાં. જ્યાં વિમાનનાં બ્લેક બોક્સનાં ડેટાનું નવેસરથી વિશ્લેષણ કરવામાં આવ્યું
હતું. જેમાં ખાસ કરીને કેબિન ઓડિયો રેકોર્ડિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું અને
તેમાં સ્પષ્ટ થયું હતું કે, પાયલટ દ્વારા ઘાતકી પગલું લેવામાં આવેલું.