એક ઈજાગ્રસ્ત સારવારમાં : કાર પલટી જતા સર્જાઈ દુર્ઘટના : પરિવારમાં શોક
વઢવાણ,તા.12:
મધ્યપ્રદેશના ઉજ્જૈન-બદનાવર ફોર લેન પર રવિવારે રાત્રે એક કાર પલટી ખાતા સુરેન્દ્રનગરના
બે મિત્રોના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે એકને ગંભીર ઇજા પહોંચી છે. ત્રણેય મિત્રો ઉજ્જૈનમાં
બાબા મહાકાલના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે સર્જાયેલી દુર્ઘટનામાં બે મિત્રોને
કાળ આંબી ગયો હતો.
રવિવારે
રાત્રે બનેલા આ અકસ્માતના બનાવમાં અકસ્માત એટલો ગંભીર હતો કે, 31 વર્ષીય જયદીપાસિંહનું
ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય બે મિત્રને ગંભીર ઈજાઓ
પહોંચતા તેમને તાત્કાલિક રતલામ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં 29 વર્ષીય
શિશુપાલ સિંહ ઉર્ફે કાનભાનું મૃત્યુ થયું હતું. જ્યારે ત્રીજા મિત્ર યસની હાલત ગંભીર
છે. અકસ્માતની જાણ થતા મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરી પરત ફરતા મિત્રોમાં
મૃતક જયદીપાસિંહ ઝાલા જોરાવરનગરના રહેવાસી છે. તેઓ પરિવારમાં એકના એક પુત્ર હતા. જ્યારે
મૂળ મુળીના અને હાલ સુરેન્દ્રનગરમાં માંડવરાયજી સોસાયટીના રહીશ કાનભા પરિવારમાં સૌથી
નાના પુત્ર હતા. તેમનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું છે. બનાવની જાણ થતા જ સંબંધીઓ રતલામ
પહોંચ્યા હતા. શિશુપાલાસિંહના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઈ જતા તેમનો મૃતદેહ પરિવારજનોને
સોંપવામાં આવ્યો હતો.