• બુધવાર, 13 મે, 2026

ચીનની ચાલબાજી : યુદ્ધની આડમાં અનાજ-ખાતરની સંગ્રહખોરી

ભારત પહેલેથી જ ઈરાન યુદ્ધના કારણે મોંઘા ક્રૂડ ઓઈલનો સામનો કરી રહ્યું છે, ત્યારે હવે ખાતરની આ અછત ભારત પર નાણાકીય બોજ વધારી શકે છે

નવી દિલ્હી, તા.12: અમેરિકાન અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ વિશ્વભરમાં હાહાકાર મચ્યો છે. તેલની કિંમતો આસમાને પહોંચી છે અને સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. આ કટોકટી વચ્ચે ચીન ગુપ્ત રીતે અનાજ, ખાદ્ય સામગ્રી અને ખાતરનો મોટો સ્ટોક તૈયાર કરી રહ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. વર્લ્ડ બ્રેકના પૂર્વ પ્રમુખ ડેવિડ માલપાસે એક ઈન્ટરવ્યૂમાં ચેતવણી આપી છે કે ચીન દુનિયાનો સૌથી મોટો અનાજ અને ખાતરનો ભંડાર ઉભો કરી રહ્યું છે. તેમણે બેઈજિંગમાં યોજાનારી ટ્રમ્પ અને શી જિનપિંગની સમિટ પહેલા ચીનને આ જમાખોરી તાત્કાલીક બંધ કરવા અપીલ કરી છે જેથી વૈશ્વિક પુરવઠા સંકટને ઘટાડી શકાય.

ચીનના આ પગલાથી ભારત જેવા કૃષિપ્રધાન દેશોની ચિંતામાં મોટો વધારો થયો છે. ચીને માર્ચ મહિનાની શરૂઆતથી જ ખારતની નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે. અગાઉ ભારત જે યુરિયા 512 ડોલર પ્રતિ ટન ખરીદતું હતું, તેની કિંમત હવે વધીને 959 ડોલર પ્રતિ ટન થઈ ગઈ છે. એટલે કે ભારત ખાતર માટે લગભગ બમણી કિંમત ચૂકવી રહ્યું છે. જો ખાતર મોંઘું થશે તો ખેતીનો ખર્ચ વધશે અને તેના કારણે અંતે ખાવા-પીવાની ચીજવસ્તુઓ મોંઘી થતા સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડશે. ભારત પહેલેથી જ ઈરાન યુદ્ધના કારણે મોંઘા ક્રૂડ ઓઈલનો સામનો કરી રહ્યું છે, ત્યારે હવે ખાતરની આ અછત ભારત પર નાણાકીય બોજ વધારી શકે છે. નિષ્ણાંતોની મતે ચીનનું આ પગલું માત્ર સુરક્ષા પૂરતું સીમિત નથી, પરંતુ તેની પાછળ એક મોટી વ્યુહરચના છે. ઈરાન યુદ્ધના કારણે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ બંધ છે, જેનાથી દરિયાઈ વેપાર ઠપ થયો છે. ચીનને ડર છે કે જો લાંબા સમય સુધી આ સ્થિતિ રહેશે તો દેશમાં દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. બીજું કારણ એ છે કે અનાજ અને ખાતર પર નિયંત્રણ મેળવીને ચીન વૈશ્વિક રાજનીતિમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માગે છે જ્યારે દુનિયામાં આ વસ્તુઓની અછત સર્જાશે ત્યારે ચીન પોતાના ભંડારનો ઉપયોગ કરીને મોટો નફો કમાઈ શકે છે અને અન્ય દેશો પર દબાણ બનાવી શકે છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક