• બુધવાર, 13 મે, 2026

બાબરાનાં ખાખરિયા ગામે બંધ મકાનમાંથી રૂ. 18.60 લાખના મુદ્દામાલની ચોરી

વૃદ્ધ પૌત્રની સગાઈમાં ગયા ને તસ્કરોએ કર્યો હાથ ફેરો: રૂ. 3 લાખની રોકડ સહિત સોનાના ઘરેણા ઉઠાવી ગયા 

બાબરા, તા.12: બાબરા તાલુકાનાં ખાખરિયા ગામેથી સુરત રહેતા પૌત્રની સગાઇ પ્રસંગમાં ગયેલા પટેલ વૃદ્ધના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી રૂ.3લાખની રોકડ તથા સોનાના દાગીના મળી કુલ રૂ.18,60,000નો મુદ્દામાલ ચોરી જતા બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. 

બાબરા તાલુકાનાં ખાખરિયા ગામે રહેતા 80 વર્ષીય ખેડૂત જાદવભાઇ સવજીભાઇ નારોલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સુરતમાં તેમના દીકરાના દીકરાની સગાઈમાં ગયા હતા. દરમિયાન ગત તા.10ના કોઈ શખસ મકાનના ડેલાના તાળા નકુચામાથી તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રૂમના દરવાજાનાં તાળાં તોડી રૂમની અંદર કબાટમાં રાખેલી એક સોનાની માળા, એક સોનાનો હાર, બે સોનાની વીંટી તથા એક જોડી કાનમાં પહેરવાની જૂની સોનાની પોખાની, સોનાની બે ચૂડલી તથા કપાસ તથા શિંગ વેચેલી હોય જેના રોકડા રૂ.3,00,000 મળી કુલ કિં. રૂ. 18,60,000ની મત્તાની ચોરી કરી ગયો હતો.

બાબરા પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ તથા એફએસએલ ટીમ અને નજીકના વિસ્તારોના સીસીટીવી આધારે હાલ તસ્કરોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં નોંધપાત્ર ઘરફોડ ચોરીના બનાવથી ગ્રામ્ય રહેવાસીમાં ભયનો માહોલ ઉભો થયો છે. સ્થાનિક પોલીસ વર્તુળ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સઘન રાત્રી પેટ્રોલિંગ કરવા પણ માગ ઊઠી છે.  

 

ઇ-પેપરના નવા શુલ્ક