• સોમવાર, 01 જૂન, 2026

વરસાદના એલર્ટ વચ્ચે કેદારનાથ યાત્રા ઉપર રોક

યાત્રા માર્ગની સુરક્ષા અને હવામાનના ઓરેન્જ એલર્ટને ધ્યાને રાખીને નિર્ણય

યાત્રીઓને સુરક્ષિત સ્થળે રોકવામાં આવ્યા

નવી દિલ્હી, તા. 31 : કેદારનાથ ધામમાં છેલ્લા અમુક દિવસથી વાતાવરણ બગડયું છે. તેવામાં ભારે વરસાદને ધ્યાને રાખીને યાત્રીઓને સુરક્ષિત સ્થળે રોકવામાં આવ્યા છે. હવામાન વિભાગે રૂદ્રપ્રયાગમાં ભારે વરસાદ, આંધી-તોફાન અને પ્રતિકુળ મોસમનની આશંકા વ્યક્ત કરી છે. હવામાનને ધ્યાને રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં પ્રશાસને સાવધાનીના   ભાગ રૂપે કેદારનાથ યાત્રાને અસ્થાયી રીતે રોકી છે.

જિલ્લા પ્રશાસને યાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખીને નજીકની છાવણીઓ અને સુરક્ષિત સ્થળોએ રોકવા નિર્દેશ આપ્યા છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી નંદન સિંહ રજવારે કહ્યું હતું કે પોલીસ, એનડીઆરએફ, એસડીઆરએફ, ડીડીઆરએફ અને અન્ય રાહત એજન્સીઓને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે. હવામાન સામાન્ય થવાની સાથે જ યાત્રાને ફરી શરૂ કરવામાં આવશે. બીજી તરફ કલેક્ટર વિશાલ મિશ્રા સતત હવામાન અને યાત્રા માર્ગોની દેખરેખ કરી રહ્યા છે.

હવામાન અને યાત્રા માર્ગ એકદમ સુરક્ષિત થતા જ શ્રદ્ધાળુઓ અને વાહનોને અવરજવરની મંજૂરી આપવામાં આવશે. અધિકારીઓએ શ્રદ્ધાળુઓ અને વાહનચાલકોને અપીલ કરી છે કે પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવે. બિનજરૂરી યાત્રાથી બચવામાં આવે અને કોઈપણ પ્રકારની અફવા ઉપર ધ્યાન આપવામાં ન આવે.

 

ઇ-પેપરના નવા શુલ્ક