• સોમવાર, 01 જૂન, 2026

બાબરામાં ઓછા રોકાણમાં વધુ નફાની લાલચમાં સરકારી હોસ્પિટલના ડૉક્ટરે રૂ.4 લાખ ગુમાવ્યા

ફરિયાદના આધારે પોલીસે વિવિધ બેન્ક ખાતાઓ અને સંડોવાયેલા શખસોની વિગતો મેળવી વધુ તપાસ શરૂ કરી

બાબરા, તા.31 : સરકાર અને પોલીસ તંત્ર દ્વારા સાયબર ફ્રોડ અંગે સતત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તેમ છતાં લોકો હજુ પણ ઠગાઈનો ભોગ બની રહ્યા છે. બાબરા સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા એક તબીબ સાથે રૂ. 4.05 લાખની સાયબર છેતરપીંડી થયાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાએ વિસ્તારમાં ચર્ચા જગાવી છે.

બાબરા ખાતે રહેતા અને છેલ્લાં છ વર્ષથી સરકારી હોસ્પિટલમાં સેવા આપતા ડૉ.મોહિત કિશોરભાઈ ચૌહાણનો ટેલિગ્રામ એપ્લિકેશન મારફતે કેટલાક અજાણ્યા શખસો સાથે સંપર્ક થયો હતો. ‘િનહારિકા’, ‘દીપક (કસ્ટમર સર્વિસ મેનેજર)’, ‘કબીર (ઓપરેશન્સ મેનેજર)’, ‘ગૌતમ (સીનિયર એડમિનિસ્ટ્રેટર)’ અને ‘માનવ (િવથડ્રૉલ મેનેજમેન્ટ)’ નામથી ઓળખ આપનાર શખસોએ તેમને ઓછા રોકાણમાં વધુ નફો મેળવવાની લાલચ આપી હતી. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે નફો પણ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જુદી જુદી સાત બેન્કોનાં ખાતામાં તબક્કાવાર રકમ જમા કરાવવામાં આવી હતી.

બાદમાં સૂચના મુજબ કામગીરી ન કરવાને કારણે નફામાં નુકસાન થયું હોવાનું જણાવી વધુ રકમ ભરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આખરે ડૉ.ચૌહાણને રૂ. 4,05,000ની છેતરપિંડી થયાની જાણ થતાં તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વિવિધ બેન્ક ખાતાઓ અને સંડોવાયેલા શખસોની વિગતો મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક