• સોમવાર, 01 જૂન, 2026

તૃણમૂલમાં હડકંપ: મમતાની બેઠકમાં 80માંથી 60 ધારાસભ્યો ન આવ્યા

લાંબો સમય રાહ જોવા છતાં વિધાયકો ન પહોંચતા આખરે બેઠક રદ :

            પક્ષમાં મોટા ભંગાણનો ઉઠયો સવાલ

નવીદિલ્હી,તા.31: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરાજય પછી તૃણમૂલ કોંગ્રેસમાં મોટું ભંગાણ પડવાની અટકળો અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને આજે તેમાં એક એવો ઘટનાક્રમ બન્યો જેનાં હિસાબે પક્ષમાં અને બંગાળની રાજનીતિમાં હડકંપ મચી ગયો છે. અભિષેક બેનરજી અને કલ્યાણ બેનરજી ઉપર થયેલા હુમલા બાદ આજે પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીનાં ઘરે યોજાનારી બેઠકમાં પક્ષનાં 80માંથી 60 વિધાયકો પહોંચ્યા નહોતાં.

પક્ષમાં અનેક સાંસદ અને ધારાસભ્યો નારાજ હોવાની ભારે હવા વચ્ચે આજે મમતાનાં નિવાસે તમામ ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા હતાં. જેમાં 60 ધારાસભ્યો પહોંચ્યા નહોતાં અને તેનાં કારણે બેઠક જ રદ કરી નાખવાની ફરજ પડી હતી. જો કે પક્ષ દ્વારા પછી એવી સ્પષ્ટતા આપવી પડી હતી કે, વિધાયકો વ્યસ્ત હોવાનાં કારણે મમતાની આ બેઠકમાં પહોંચ્યા નહોતાં.

સૂત્રોનાં હવાલેથી મળેલા અહેવાલો અનુસાર મમતાનાં ઘરે બોલાવવામાં આવેલી આ બેઠકમાં ધારાસભ્યોની લાંબા સમય સુધી રાહ જોવામાં આવી હતી. જેમાં આખરે મોટાભાગનાં ધારાસભ્યો ન પહોંચતા બેઠક રદ કરવી પડી હતી. ગેરહાજર રહેલા ધારાસભ્યોનો સંપર્ક પણ થઈ શકતો ન હતો. જેને પગલે એવો સવાલ ઉઠવા લાગ્યો હતો કે, શું પક્ષમાં મોટી ફૂટ પડવાની છે?

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક