• સોમવાર, 01 જૂન, 2026

ધ્રાંગધ્રામાં જમીન વિવાદમાં 3 શખસે પરિવાર પર હથિયારોથી હુમલો કર્યો

અપશબ્દો કહીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ

ધ્રાંગધ્રા, તા.31 : શહેરના ધોળીધાર વિસ્તારમાં જૂના જમીન વિવાદને લઈને હિંસક અથડામણ સર્જાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જમીન સંબંધિત મનદુ:ખના કારણે ત્રણ શખસે એક પરિવાર પર છરી, ધોકા અને લાકડીઓ વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હુમલામાં પરિવારના સભ્યોને ઈજાઓ પહોંચી હતી, જ્યારે હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

ધોળીધાર વિસ્તારમાં રહેતા અનિલ નટુભાઈ તાજપરિયા પોતાના ઘરે પરિવાર સાથે હાજર હતા. તે દરમિયાન એ જ વિસ્તારના વિકી પ્રવીણભાઈ તાજપરિયા, મનીષ ઉર્ફે મહેશ પ્રવીણભાઈ તાજપરિયા અને પ્રવીણ કિશનભાઈ તાજપરિયા ત્યાં પહોંચ્યા હતા. જૂના જમીન વિવાદના મુદ્દે બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો. ત્રણેય આરોપીઓએ અનિલ, તેમના નાના ભાઈ સની, પત્ની મીનાબેન તથા સગીર પુત્ર દેવરાજ સાથે ગાળાગાળી કરી હતી. ત્યારબાદ તેઓએ હથિયારો વડે હુમલો કરતા પરિવારના સભ્યોને ઈજાઓ પહોંચી હતી. હુમલા દરમિયાન પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે અનિલ તાજપરિયાએ ધ્રાંગધ્રા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક