વોટ્સએપ પર પ્રેમજાળમાં ફસાવી પ્રાઈવેટ ફોટા વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા ખંખેરનાર શખસ પોલીસના સકંજામાં
અમરેલી,
તા.16: અમરેલી જિલ્લામાં હનીટ્રેપની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં બગસરા તાલુકાના
હડાળા ગામના ખેડૂતને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી, વીડિયો કોલ દરમિયાનના
પ્રાઈવેટ ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપીને બળજબરીપૂર્વક કુલ રૂ. 16,30,110ની મસમોટી રકમ
પડાવી લેવામાં આવી હતી. આ મામલે ભોગ બનનાર ખેડૂતે એક મહિલા સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ
બગસરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે અમરેલી એલ.સી.બી. ટીમે
બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગુનામાં સંડોવાયેલા એક
મુખ્ય આરોપીને દબોચી
લીધો
છે.
ઘટનાની
વિગતો મુજબ, અમરેલીમાં રહેતી મહિલા આરોપી નીલમ કાકડીયા દ્વારા વોટ્સએપ એપ્લિકેશન મારફતે
બગસરાના હડાળા ગામના વતની અને હાલ સુરત ખાતે મોટા વરાછા ગ્લોસમ હોમમાં રહેતા ખેડૂત
દિપકભાઈ મનસુખભાઈ બોરડનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પ્રેમભરી વાતો કરી વિડિયો કોલ
દ્વારા નિર્વસ્ત્ર કરી તેમના ફોટા છુપી રીતે પાડી લીધા હતા. આ ફોટાઓ વાયરલ કરવાની ધાકધમકી
આપીને આરોપી પ્રતિકભાઇ પરશોતમભાઇ પાઘડાળ તથા અન્ય સાગરિતોએ અલગ-અલગ બેંક ખાતાઓમાં અને
આંગડિયા મારફતે લાખો રૂપિયા પડાવી લીધા હતા.
અમરેલી
પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી.વાઘેલાની
ટીમ દ્વારા આ બનાવની સઘન તપાસ કરી મુખ્ય આરોપી પ્રતિકભાઇ પાઘડાળને ઝડપી પાડી આગળની
કાયદેસરની કાર્યવાહી અર્થે બગસરા પોલીસને સુપરત કરવામાં આવ્યો છે.