• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

ગોંડલમાં જય અંબે જ્વેલર્સના પિતા-પુત્ર સામે છેતરાપિંડીની ફરિયાદ

સોનાના ઘરેણાં બનાવડાવવાના બહાને જામવાડીના યુવાન સાથે રૂ. 1.54 લાખની ઠગાઈ આચરવામાં આવી

ગોંડલ, તા.16:ગોંડલની મોટી બજારમાં આવેલી જય અંબે જ્વેલર્સ પેઢીના માલિકો દ્વારા સોનાના દાગીના બનાવી આપવાના અર્થે યુવાન પાસેથી જૂના દાગીના અને રોકડ રકમ મેળવી લીધા બાદ ન તો ઘરેણાં બનાવી આપવામાં આવ્યા કે ન તો નાણાં પરત કરવામાં આવ્યા હતા. આ મામલે ભોગ બનનાર યુવાને ગોંડલ સીટી પોલીસ મથકે સોની વેપારી પિતા-પુત્ર વિરુદ્ધ સત્તાવાર રીતે ગુનો દાખલ કરાવ્યો છે.

બનાવ અંગેની વિગતો મુજબ ગોંડલના જામવાડી વિસ્તારમાં રહેતા 25 વર્ષીય મેરૂભાઇ ભુરાભાઇ માંગરિયા પોતાની પત્ની માટે સોનાના દાગીના બનાવડાવવા માટે મોટી બજારમાં આવેલી જય અંબે જવેલર્સમાં ગયા હતા, જ્યાં પેઢીના માલિકો પિતા પ્રવીણ ગોકળભાઈ સિમેજીયા અને તેમના પુત્ર પરાગ સિમેજીયા સાથે રૂ. 2.16 લાખના ઘરેણાંનો ઓર્ડર નક્કી થયો હતો. આ ઓર્ડરના બદલામાં યુવાને રૂ. 95 હજારની કિંમતના જુના દાગીના તથા અગાઉ અને બાદમાં મળીને કુલ રૂ. 59 હજારની રોકડ રકમ સોની પિતા-પુત્રને આપી દીધી હતી. આમ કુલ રૂ. 1.54 લાખની મતા આપ્યા છતાં સોની પિતા-પુત્રએ લાંબા સમય સુધી દાગીના બનાવી ન આપી ખોટા વાયદાઓ આપતા અંતે કંટાળીને યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક