• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

પાલડી ઉપાશ્રયના નામે ખોટી ઓળખ આપી વેપારી સાથે 21.79 લાખની ઠગાઈ

આનંદનગર પોલીસે ફરિયાદ નોંધી મહુડીમાં રહેતા તેજશ શાહની ધરપકડ કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.17: શહેરમાં ધાર્મિક કાર્યમાં દાન આપવાના નામે એક વેપારી સાથે 21.79 લાખની છેતરાપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સેટેલાઈટ વિસ્તારમાં રહેતા 68 વર્ષીય વેપારી મયુર શાહને આરોપીએ ફોન કરીને પાલડીના પ્રખ્યાત નરરત્ન મહારાજ સાહેબ ઉપાશ્રયમાંથી બોલતો હોવાની ખોટી ઓળખ આપી હતી.

ઉપાશ્રય પ્રત્યે ઊંડી આસ્થા ધરાવતા વેપારીને દાન આપવાના બહાને વિશ્વાસમાં લઈ ઠગબાજે અલગ-અલગ તબક્કે બેન્ક ખાતામાં અને આંગડિયા મારફતે કુલ 21,79,000 પડાવી લીધા હતા. શરૂઆતમાં 49,000 થી શરૂ થયેલો આ સિલસિલો રૂ.21 લાખથી વધુ રકમ સુધી પહોંચ્યો હતો. સમય જતાં આરોપીનો ફોન નંબર બંધ આવતા વેપારીએ પાલડી ઉપાશ્રય ખાતે રૂબરૂ જઈને તપાસ કરી હતી, જ્યાંથી તેમને જાણ થઈ કે ઉપાશ્રય દ્વારા દાનની કોઈ જ માંગણી કરવામાં આવી નથી. પોતાની સાથે વિશ્વાસઘાત થયાનું જણાતા વેપારીએ ત્વરિત આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કડક કાર્યવાહી હાથ ધરીને ગાંધીનગર નજીક મહુડી સ્ટાફ ક્વાર્ટર ખાતે રહેતા તેજશ સુભાષ શાહ નામના ઠગ શખસની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક