• શનિવાર, 10 જૂન, 2023

મોદી આજે પણ દેશની પહેલી પસંદ

સર્વે મુજબ ભારત જોડો યાત્રાથી રાહુલની લોકપ્રિયતા વધી 

નવી દિલ્હી, તા. 24 : દક્ષિણ ભારતના પ્રવેશદ્વાર કહેવાતા કર્ણાટકમાં તાજેતરમાં જ સરકાર ગુમાવનાર ભાજપના ટોચના નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં કોઈ ઓછપ આવી નથી, તેવું એક સર્વેનું તારણ નોંધે છે.

એનડીટીવી-સીએસડીએસના સર્વેક્ષણ અનુસાર દેશના ખૂણેખૂણામાં મોદી આજે પણ નાગરિકોની પ્રથમ પસંદગી છે.

ભારતના 19 રાજ્યોના 71 લોકસભા ક્ષેત્રોમાં કરાયેલા સર્વે હેઠળ સમાજના દરેક વર્ગના લોકોના મત મગાયા હતા. ચાલુ મહિને જ 10થી 19 મે દરમ્યાન કરાયેલા સર્વે પરથી એવું તારણ મળે છે કે, આજેય 43 ટકા લોકો વડાપ્રધાનના રૂપમાં મોદીને પસંદ કરે છે. રાહુલ ગાંધીને 27 ટકા લોકો વડાપ્રધાન તરીકે જોવા ઈચ્છે છે, રાહુલને પસંદ કરનારાઓની સંખ્યા વધી છે. 2019માં 24 ટકામાંથી અત્યારે 27 ટકા લોકો કોંગ્રેસ નેતા પર કળશ ઢોળી રહ્યા છે. બીજી ટર્મ પછી લોકોમાં શાસન વિરોધી લહેરની ભાવના દેખાતી નથી. સર્વે અનુસાર આજની તારીખે ચૂંટણી થવાની સ્થિતિમાં ભાજપને 2019 કરતાં બે ટકા વધુ 39 ટકા મત મળી શકે છે. બીજી તરફ કોંગ્રેસના મતોમાં પણ સર્વે વધારો થવાનો વર્તારો આપે છે. વિતેલી સામાન્ય ચૂંટણીના 19 ટકાની તુલનાએ આજે કોંગ્રેસને 29 ટકા મત મળવાની શક્યતા છે.

એનડીટીવી સીએસડીએસના સર્વે મુજબ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અસરકારક રહી છે. તેવામાં 2024ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સામનો કરવા રાહુલ ગાંધીને રજૂ કરવાની તૈયારીમાં હોય તો ભારત જોડો યાત્રા આ બાબતે કોંગ્રેસની શક્તિ

બની છે.

19 રાજ્યના 7200 લોકો ઉપર કરવામાં આવેલા સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું કે 2024માં નરેન્દ્ર મોદીને કોણ પડકારી શકશે તો સૌથી વધારે સમર્થન રાહુલ ગાંધીને મળ્યું હતું. સર્વેથી વધુ એક વાત સામે આવે છે કે જો વિપક્ષ એકજૂથ થઈને લડે તો કોંગ્રેસની ભૂમિકા મોટી થવાની છે. સંભવ છે કે પીએમ પદના ઉમેદવાર પણ કોંગ્રેસમાંથી જ બનશે.