• મંગળવાર, 23 એપ્રિલ, 2024

ચૂપ રહેવું આરોપીનો મૌલિક અધિકાર : તેલંગણ હાઇ કોર્ટ

નવી દિલ્હી, તા. 1 : તેલંગણ હાઇ કોર્ટે એક ચુકાદામાં કહ્યું છે કે કોઈપણ આરોપીન દ્વારા પૂછપરછ કે તપાસ મામલે ચૂપ રહેવાનો અધિકાર સંવિધાન હેઠળ સુરક્ષિત એવો એક મૌલિક અધિકાર છે. સાથે જ હાઇ કોર્ટે કહ્યું હતું કે તપાસ એજન્સી આ કારણે બીજું આવેદન આપીને આરોપીની હિરાસતનો સમય વધારવાની માગ કરી શકે નહીં. કોર્ટે એક મામાલે એનઆઇએની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, આરોપી ચૂપ છે અથવા સંતોષકારક જવાબ આપી રહ્યો નથી તેવી દલીલ ઉપર હિરાસત લંબાવી શકાય નહીં. જસ્ટિસ લક્ષ્મણ અને જસ્ટિસ સુજાનાની ખંડપીઠે એક અપરાધિક મામલે દાખલ અરજી ઉપર સુનાવણી કરતા આદેશ પસાર કર્યો હતો. પીએફઆઇના એક સભ્યએ નીચલી અદાલત દ્વારા રિમાન્ડની અવધિ પાંચ દિવસ વધારવાના નિર્ણયને હાઇ કોર્ટમાં પડકાર્યો હતો. અરજકર્તાએ અપીલમાં કહ્યું હતું કે, 15 જૂન, 2023માં ધરપકડ થયા બાદ 14 જૂનના રોજ નીચલી અદાલતે ન્યાયિક હિરાસતમાં મોકલ્યો હતો. બાદમાં 4 જુલાઈના અદાલતે આરોપીની પાંચ દિવસની કસ્ટડી મંજૂર કરી હતી. એજન્સીએ અદાલતને કહ્યું હતું કે, કસ્ટડીમાં આરોપી સંતોષજનક ઉત્તર આપી રહ્યો નથી. મોટાભાગના સવાલ ઉપર ચૂપ રહે છે, એટલે તપાસ ચાલી રહી છે. 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક