• સોમવાર, 27 મે, 2024

ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધો T-20 મોડમાં

પ્રવાસનનાં સમાપને મોદીએ મંદિરો પર હુમલા અંગે ચિંતા દર્શાવી અલ્બનીઝનો કડક પગલાંનો કોલ

સિડની, તા. 24 : ઓસ્ટ્રેલિયા પ્રવાસનના અંતિમ દિવસે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરો પર હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મોદીએ કહ્યું કે, ભાગલાવાદી તત્ત્વોની હરકત સાંખી નહીં લેવાય. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એંથની અલ્બનીઝે કડક પગલાં લેવાશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું.

મોદીએ કહ્યું હતું કે, આ મારી અલ્બનીઝ સાથે એક વર્ષમાં છઠ્ઠી મુલાકાત છે. તેના પરથી  બંને દેશના સંબંધ કેટલા ઊંડા છે તે સાબિત થાય છે. ક્રિકેટની ભાષામાં કહું તો આ સંબંધ ટી-20 મોડમાં આવી ગયા છે.

વડાપ્રધાને અલ્બનીઝને ચાલુ વર્ષે ભારતમાં યોજાનારા વન-ડે વિશ્વકપ માટે આમંત્રણ આપ્યું હતું. અલ્બનીઝે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા બેંગ્લોરમાં એક કોન્સ્યુલેટ ખોલશે, જેનાથી બંને દેશોની ટેકનોલોજીનાં આદાન-પ્રદાનમાં મદદ મળશે. દ્વિપક્ષીય બેઠકમાં જી-20, વેપાર અને સંરક્ષણ ક્ષેત્રની સાથે સૈન્ય  સહકાર વધારવા પર પણ?વાત થઇ હતી. ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર પણ જોડાયા હતા. એંથની અલ્બનીઝે જણાવ્યું કે, સપ્ટેમ્બરમાં જી-20 શિખર બેઠક ભારતમાં થવાની છે. એ અવસરે મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી મળવાનો મોકો મળશે. ગઇકાલે મોદીએ સિડનીમાં ભારતીય મૂળના 20 હજારથી વધુ લોકોને સંબોધતાં કહ્યું હતું કે, આપ સૌ ભારતના રાજદૂત છો. આ મોદીનો બીજો ઓસ્ટ્રેલિયા પ્રવાસ છે. આ પહેલાં 2014નાં વર્ષમાં સિડની ગયા હતા. અલ્બનીઝે કહ્યું હતું કે, મોદી મારા સારા મિત્ર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક