• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

જુલાઈમાં દેશને ઝૂમાવશે ચોમાસું

અત્યારે વર્તાઈ રહેલી અલનીનોની અસર ઓગસ્ટમાં લા-નીના સર્જશે !

અરુણાચલ પ્રદેશમાં વાદળ ફાટયું, પૂરની સ્થિતિ

નવીદિલ્હી, તા.23: કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત આપતાં રાજધાની દિલ્હીનાં આકાશમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે થોડી ટાઢક વર્ષા થઈ હતી પણ હજી બે-ચાર દિવસ ફરીથી ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે. જો કે હવામાન વિભાગનાં કહેવા અનુસાર 28થી 30 જૂન વચ્ચે દિલ્હીમાં ચોમાસું પહોંચી જશે અને 3 જુલાઈ સુધીમાં આખા દેશમાં ચોમાસું ફરીથી આગળ ધપવા માંડશે.

દરમિયાન આજે સવારે અરુણાચલ પ્રદેશનાં ઈટાનગરમાં વાદળ ફાટતા અનેક સ્થાને ભૂસ્ખલન થયું હતું અને પૂર જેવી હાલત થઈ ગઈ હતી. તો બીજીબાજુ આસામમાં પૂરની સ્થિતિમાં થોડો સુધાર જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ અને પૂરની દુર્ઘટનામાં બે લોકોનાં મૃત્યુ થઈ ગયા હતાં અને અત્યાર સુધીમાં ભૂસ્ખલન અને પૂરનો મૃત્યુઆંક વધીને 39 થઈ ગયો છે.

આગામી માસથી ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ચોમાસું પોતાનાં અસલ મિજાજમાં આવી જવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉલ્લેખનીય છે કે, 11 જૂન પછી ચોમાસાની રફ્તાર ધીમી પડી ગઈ હતી અને અત્યાર સુધીમાં દેશનાં થોડા હિસ્સામાં જ તેની ઝલક જોવા મળી છે. પરંતુ હવે આગામી 3-4 દિવસોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બંગાળનાં ભાગોમાં ચોમાસું ફરીથી સક્રિય થઈ જશે.

અત્યારે અલનીનો દક્ષિણી દોલનની સ્થિતિ બનાવી રહ્યું છે. જેનાં હિસાબે ઓગસ્ટ આસપાસ લા-નીના વિકસિત થઈ શકે છે. અલનીનો આબોહવાની એવી ઘટના છે જે ચોમાસાને નબળું પાડે છે અને લા-નીના તેનાથી વિપરિત અધિક વરસાદ લાવે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક