• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

રાજકોટમાં પેલીએટીવ કેર સેન્ટરનું સદાનંદ સરસ્વતી મહારાજના હસ્તે કરાયું ભૂમિપૂજન


 

રાજકોટ,તા.1 : રાજકોટ અને સૌરાષ્ટ્રના કેન્સરગ્રસ્ત દર્દીઓને એક ઉત્તમ સારવારની સાથે માનસિક, સામાજિક અને આધ્યાત્મિક સપોર્ટ મળે તે માટે કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા પેલિએટિવ કેર સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. જેના માટે એક એકર જેટલી જમીન દાત્તા તરફથી મળતા ઓગષ્ટ મહિનાથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને હાલ રૂ.7 કરોડના ફંડ સાથે 25 બેડની બિલ્ડીંગ તૈયાર કરવામાં આવશે. દ્વારકાની શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજે આ બિલ્ડીંગનું ભૂમિ પૂજન કર્યુ હતુ.

શહેરના કાલાવડ રોડ ઉપર અમરેલી ગામ ખાતે શિલ્પા જ્વેલર્સવાળા પ્રિતિબેન પ્રભુદાસભાઈ પારેખ દ્વારા દાન અપાયેલી એક એકર જેટલી જમીનમાં આજે પેલિએટિવ કેર સેન્ટરના ભૂમિ પૂજન પ્રસંગે આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી તેમજ જીગ્નેશ દાદા, ભરત બોઘરા, રમેશ ટીલાળા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ સાથે કેન્સર વોરિયર્સ અને તેમના પરિવારજનો સહિત 350 મળીને કુલ 1700 જેટલા લોકો આ કાર્યમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે દાનની સરવાણી વહેતી થતાં કુલ રૂ.11 કરોડનું દાન આજના દિવસમાં જ મળ્યું હતુ. જ્યારે જૂનાગઢના ગિરનાર મંડળના અધ્યક્ષ અને કાશીના પંચ દશનામ જુના અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતી મહારાજની તબિયત નાદુરસ્ત હોવાથી રમેશ ઓઝાને ગાંધીનગર કથા હોવાથી તેઓ ઉપસ્થિત રહ્યા ન હતા. મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, વ્રજકુમાર બાવાશ્રીએ વિડીયોકોલ મારફત શુભેચ્છા સંદેશ અને આશીર્વચન પાઠવ્યા હતા.

આ પ્રસંગે સદાનંદ સરસ્વતી મહારાજે જણાવ્યું હતું કે, દર્દીઓ માટે અહીં કેન્સર કેર સેન્ટર શરૂ થઈ રહ્યું છે તે ખૂબ જ સારી બાબત છે. ગુજરાતમાં નહીં પરંતુ ભારતમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ. અમે 50 વર્ષથી કહી રહ્યા છીએ કે ગૌ હત્યા બંધ કરવામાં આવે. હિન્દુ હોવાનું પહેલું પ્રમાણ એ જ ગૌમાતાની પૂજા છે.

ઇ-પેપરના નવા શુલ્ક