નવી
દિલ્હી, તા.3 : નેધરલેન્ડ ખાતે રમાયેલ ટાટા સ્ટીલ માસ્ટર્સ ચેસ ટૂર્નામેન્ટમાં ભારતનો
ગ્રાંડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદ હમવતન ખેલાડી અને વિશ્વ વિજેતા ડી. ગુકેશને હાર આપીને
ચેમ્પિયન થયો છે. ફીડે વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી ગુકેશની આ પહેલી હાર છે. 19 વર્ષીય
આર. પ્રજ્ઞાનાનંદે ટાઇબ્રેકરમાં વિશ્વ નંબર 3 ગુકેશને 2-1થી હાર આપી હતી. 13 બાજી પછી
બન્ને ખેલાડી 8.પ અંકની બરાબરી પર હતા. આથી પરિણામ માટે ટાઇબ્રેકરનો સહારો લેવામાં
આવ્યો હતો. જેમાં પ્રજ્ઞાનાનંદનો 2-1થી શાનદાર વિજય થયો હતો અને ટાટા સ્ટીસ માસ્ટર્સ
ચેસ ટૂર્નામેન્ટનો ખિતાબ કબજે કર્યો હતો. આ ગુકેશને સતત બીજા વર્ષે ટાઇબ્રેકરમાં હાર
સહન કરવી પડી છે. ગયાં વર્ષે તે ચીનના ખેલાડી વેઇ યી સામે હાર્યોં હતો.